શ્રાવણ કૃષ્ણ દ્વાદશીના પવિત્ર દિને સોમનાથ મહાદેવને કરાયો અદભુત ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શૃંગાર, દર્શન કરી ભક્તો ધન્ય થયા

હિન્દ ન્યુઝ, સોમનાથ

    પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ભક્તો માટે દરરોજ નિતનવા અને આકર્ષક શૃંગાર કરવામાં આવે છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશીના પવિત્ર અવસરે દેવાધિદેવ શિવ સોમનાથ મહાદેવને એક વિશેષ અને દિવ્ય ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો.

આ અલૌકિક શૃંગાર અંતર્ગત મંદિરના પવિત્ર ગર્ભગૃહને સુંદર અને સુગંધિત પુષ્પોથી કલાત્મક રીતે અલંકૃત કરવામાં આવ્યું હતું. ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવની સાથે અન્ય ૧૧ શિવલિંગોને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ તમામ શિવલિંગોને સુંદર રીતે અલંકૃત કરી બાર જ્યોતિર્લિંગનું સ્વરૂપ આપી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ગર્ભગૃહમાં એકસાથે ભારતવર્ષના બારેય જ્યોતિર્લિંગના દર્શન થતાં એક અદભુત અને ઊર્જાવાન આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ થયું હતું.

સોમનાથ દાદાના આ અનોખા ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શૃંગારના દર્શનનો લ્હાવો રૂબરૂ તેમજ ઓનલાઈન માધ્યમથી લઈને દેશ-વિદેશના લાખો શિવભક્તો ભાવવિભોર બન્યા હતા અને ભારે ધન્યતા અનુભવી હતી. મહાદેવના આ દિવ્ય સ્વરૂપના દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર “જય સોમનાથ” અને “હર હર મહાદેવ”ના નાદથી શિવમય બની ગયું હતું.

Related posts

Leave a Comment