કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત 

   સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને આઇ.સી.સી. (ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ કમિટી) સુરત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના સંયુક્ત ઉપક્રમે ગત રોજ ઘોડદોડ રોડ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની મુખ્ય શાખા ખાતે બેંકના કર્મચારીઓ માટે પોશ એક્ટ (POSH Act – પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એક્ટ-2013) વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી. આર. જોષીએ કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. એસ. વી. મુદલિયાર,ICC કમિટીના અધ્યક્ષ અને સિનિયર સિવિલ જજએ પોશ એક્ટ અંગે કાયદાકીય સમજ આપતા જણાવ્યું હતું કે, જાતીય સતામણી એટલે શું અને તે કઈ કઈ રીતે થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પીડિત બહેનો જે-તે સ્થળે કામ કરતી હોય ત્યાંની ICC કમિટીમાં 3 માસની અંદર લેખિત ફરીયાદ નોંધાવી શકે છે.

ઉપરાંત આકાંક્ષા પ્રસાર, અધિક સિવિલ જજ અને મેજિસ્ટ્રેટએ ICC કમિટીની કાર્યરીતિ અને તેના દ્વારા પીડિત મહિલાઓને કેવી રીતે ન્યાય મળી શકે છે તે અંગે સરળ સમજ આપી હતી. એડવોકેટ પ્રીતિ જોષીએ કામકાજ કરતી મહિલાઓએ કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તે વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે મહિલાઓને પોતાની POSH પોલીસી અને હોદ્દા મુજબના કાર્યક્ષેત્રની જાણ હોવી જોઈએ, પોતાની ક્ષમતા કે સીમાઓ નક્કી કરવી જોઈએ તથા જરૂર જણાય ત્યાં મક્કમતાથી ‘ના’ કહેતા શીખવું જોઈએ. 

આ કાર્યક્રમમાં SBI ના ડેપ્યુટી જનરલ મેનેજર એમ. એસ. રિનિસિંર, એચ.આર. હિમાંશુ મોદી અને મેનેજર રાજેશકુમાર યાદવે વિશેષ સહકાર આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલના હેતાક્ષિ કે. દેસાઈએ કર્યું હતું. આ સેમિનારમાં SBI ની મહિલા અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment