હિન્દ ન્યુઝ, સચિન
મહિલા અને બાળ અધિકારીની કચેરી,સુરત દ્વારા સચિન GIDC ખાતે પોશ એક્ટ(POSH Act – પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ) વિષય પર એક સેમિનાર યોજાયો હતો. જેમાં ૧૫૦થી વધુ મહિલા અને પુરુષ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેમિનારનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને જાતીય સતામણીમુક્ત કાર્યસ્થળ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓએ POSH અધિનિયમ-૨૦૧૩ હેઠળ મહિલાઓના અધિકારો, કાર્યસ્થળે જાતીય સતામણી અટકાવવાના ઉપાયો, સમયસર ફરિયાદ નોંધાવવાનું મહત્વ તેમજ ફરિયાદોના ન્યાયસંગત નિવારણ માટે રચાતી આંતરિક ફરિયાદ સમિતિની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓને મહિલાકર્મીની સુરક્ષા અને સમાન હકો જાળવવા તેમજ તેમની ફરિયાદોના પારદર્શક અને અસરકારક નિવારણ માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ તથા મહિલાઓના રક્ષણ માટે કાર્યરત વિવિધ કેન્દ્રોની માહિતી પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં GIDC સચિનના પ્રમુખ કિશોરભાઈ પટેલ, posh એક્ટના સ્થાનિક સમિતિ અધ્યક્ષ રિતુબેન રાઠી, જગદંબા સિરામિક્સના મેનેજિંગ ડિરેક્ટર રાજેશભાઈ ટેકરીવાલા, મહિલા અને બાળ અધિકારી આર.એન ગામીત, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કે.વી.લકુમ, VNSGUના લો પ્રોફેસર ડૉ. હેતલ રામાણી તેમજ સ્થાનિક સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા.
POSH એક્ટ એક નજરે
• POSH (Prevention of Sexual Harassment) Act, 2013 એટલે કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણીની રોકથામ, પ્રતિબંધ અને નિવારણ માટેનો કાયદો.
• આ કાયદો સરકારી, ખાનગી, ઔદ્યોગિક, શૈક્ષણિક તેમજ અન્ય તમામ પ્રકારના કાર્યસ્થળો પર લાગુ પડે છે.
• ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક સંસ્થાએ આંતરિક ફરિયાદ સમિતિ (Internal Committee-IC)ની રચના કરવી ફરજિયાત છે.
• જાતીય સતામણીની ફરિયાદ ઘટના બાદ સામાન્ય રીતે ત્રણ મહિનાની અંદર નોંધાવી શકાય છે.
• ફરિયાદની ગોપનીયતા જાળવવી અને સમયબદ્ધ તથા નિષ્પક્ષ તપાસ કરવી કાયદા હેઠળ ફરજિયાત છે.
• કાયદાનું પાલન ન કરતી સંસ્થાઓ સામે દંડ સહિતની કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
POSH એક્ટ હેઠળ જાતીય સતામણીમાં શું આવે?
• અનિચ્છનીય શારીરિક સ્પર્શ અથવા નજીક આવવાનો પ્રયાસ.
• અશ્લીલ અથવા દ્વિઅર્થી ટિપ્પણીઓ, મજાક કે સંદેશા.
• અશોભનીય ફોટા, વીડિયો અથવા અન્ય સામગ્રી બતાવવી કે મોકલવી.
• જાતીય સંબંધ માટે દબાણ કરવું અથવા બદલામાં લાભ/ધમકી આપવી.
• કોઈપણ એવું વર્તન કે જેના કારણે મહિલા અસુરક્ષિત, અપમાનિત અથવા અસહજ અનુભવે.
મહિલાઓએ શું કરવું?
• આવી કોઈ ઘટના બને તો મૌન ન રહો.
• શક્ય હોય તો મેસેજ, ઈ-મેલ, CCTV અથવા અન્ય પુરાવા સાચવો.
• સમયસર સંસ્થાની આંતરિક સમિતિ કે સ્થાનિક સમિતિમાં ફરિયાદ કરો.
• જરૂર પડે તો મહિલા હેલ્પલાઇન અને સરકારી સહાયનો ઉપયોગ કરો.
SHe-Box પણ મદદગાર
• SHe-Box (Sexual Harassment Electronic Box) ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ એક ઓનલાઈન ફરિયાદ પોર્ટલ છે.
• જો કોઈ સંસ્થામાં આંતરિક ફરિયાદ સમિતિ ન હોય અથવા અન્ય કોઈ કારણસર ફરિયાદ નોંધાવવામાં મુશ્કેલી આવતી હોય, તો પણ મહિલા SHe-Box પોર્ટલનો ઉપયોગ કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે.
નિયોજકોની જવાબદારી
• POSH નીતિ (Policy) અમલમાં મૂકવી.
• કર્મચારીઓ માટે નિયમિત જાગૃતિ અને તાલીમનું આયોજન કરવું.
• ફરિયાદોની ગોપનીયતા જાળવી સમયસર તપાસ પૂર્ણ કરવી.
• સુરક્ષિત અને સન્માનજનક કાર્યસ્થળ સુનિશ્ચિત કરવું.
