હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક ઠેકાણે માટી ધસી પડવાના બનાવ બન્યા હતા. જેમાં કપરાડા તાલુકાના તિસ્તરી જંગલ ગામમાં ડુંગર પરથી માટી ધસી પડવાને કારણે એક મહિલાનું મોત થયું હતું જયારે એક મહિલાને ઈજા થતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગત મુજબ, કપરાડા તાલુકાના તિસ્કરી જંગલ ગામે કોસીમપાડા ફળિયામાં ડુંગર પરથી માટી ધસી પડતા ૫૫ વર્ષીય લાડકીબેન સીતાભાઈ થોટગા દબાઈ જવાને કારણે મોતને ભેટ્યા હતા. જ્યારે તેમની સાથે ફૂલીબેન દિનેશભાઈ બાતરીને પગમાં ઈજા થતા સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે મૃતક લાડકીબેન થોટગાના પરિવારજનોમાં શોકની કાલીમા પ્રસરી ગઈ હતી.
આ સિવાય કપરાડાના લીખવડ ગામ ખાતે પણ ડુંગરની માટી ધસી પડવાનો બનાવ બન્યો હતો. જ્યાં માટી ધસી પડી હતી ત્યાં ખનકી પસાર થતી હતી. જેની બાજુમાં જ ચેપા ગામમાં આવેલુ છે જ્યાં ખનકીની બાજુમાં રહેતા એક પરિવારનું સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેથી કોઈ જાનહાનિનો બનાવ બન્યો હતો.
