હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢની બહાઉદ્દીન સરકારી આર્ટસ કોલેજના ગ્રંથાલય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ડિજિટલ માહિતી સેવાઓથી પરિચિત કરવાના હેતુસર ગ્રંથાલય વિભાગ ખાતે કોલેજના આચાર્ય ડૉ.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ “ONOS અને Library OPAC” વિષય પર એક માહિતીસભર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં કોલેજના ગ્રંથપાલ શ્રી અમિત વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને ONOS (One Nation One Subscription) યોજના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત Library OPAC (Online Public Access Catalogue) ના ઉપયોગ દ્વારા પુસ્તકોની શોધ, ઉપલબ્ધતા તપાસવા, ગ્રંથાલયની વિવિધ સેવાઓનો અસરકારક ઉપયોગ તેમજ ઈ-સંસાધનો સુધી સરળતાથી પહોંચવાની પદ્ધતિ અંગે વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.
આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને ડિજિટલ માહિતી સ્ત્રોતોનો મહત્તમ લાભ લેવા અને આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ કર્યો હતો. આ વર્કશોપ વિદ્યાર્થીઓમાં માહિતી સાક્ષરતા, સંશોધન કૌશલ્ય અને ગ્રંથાલયના આધુનિક ઉપયોગ અંગે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમના અંતે શ્રી પ્રો. ભાવિક ચાવડા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સંસ્થાના ગ્રંથાલયની વિવિધ સેવાઓનો અસરકારક ઉપયોગ કરવા સંદેશ આપવામાં આવ્યો હતો. તેમ સંસ્થાના આચાર્યશ્રી, બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
