ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાય તો નજીકનાં આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવી : ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

   ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ બાળકને તીવ્ર તાવ સાથે બેભાન થવું, વારંવાર આંચકી આવવી (ખેંચ), વધુ ઊંઘ આવવી અથવા બાળકનો પ્રતિભાવ ઓછો થવો જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર લેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સાથે જ ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં તાવ, ઊલ્ટી, ઝાડા, આંચકી તથા બેભાન થઈ જાય જેવા લક્ષણો જોવા મળે તો પીડિયાટ્રિશ્યિન સિવાય કોઈપણ લોકલ ડોક્ટરની સારવાર ન લેવા અપીલ કરવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસના રોગચાળાના અટકાયતી પગલા લેવાના ભાગરુપે બાળકોને સંપૂર્ણ કપડાં પહેરાવો. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે મચ્છર/રેતીમાખીના કરડવાથી બચાવો. ઘરની આસપાસ તથા પશુશાળામાં સ્વચ્છતા જાળવો. ઘરની દીવાલોની તિરાડો પૂરો તથા ભેજવાળા સ્થળો સાફ રાખો. મચ્છરદાનીનો ઉપયોગ કરો. 

સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારમાં દવા છંટકાવ, પાણી ભરેલ વસ્તુઓનો નિકાલ તેમજ આરોગ્ય અંગે સજાગતા માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના કોઈપણ વિસ્તારમાં ચાંદીપુરાના લક્ષણો જેવો એક પણ કેસ દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર, ૧૦૮ એમ્બ્યુલન્સ અથવા આશા/ANM/MPHWનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

Leave a Comment