હિન્દ ન્યુઝ, બોટાદ
ગુજરાત સરકારે રાજયની મહિલાઓની સુરક્ષા અને સલામતી અર્થે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેમાં મહિલાની સુરક્ષા કાજે તત્પર રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન કાર્યરત છે. બોટાદ જિલ્લાના એક કિસ્સામાં મહિલાની વ્હારે આવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક સાધ્યો ત્યારે અભયમ ટીમના કાઉન્સેલરશ્રી ખુશ્બુબેન પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલશ્રી વંદનાબેન મકવાણા અને ડ્રાઈવરશ્રી હિતેશભાઈ સોલંકી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
અભયમ ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ શરુ કરતાં જાણવા મળ્યું કે, તેણીના સાસરીપક્ષના સભ્યોએ ઝઘડો કરી બાળકોને પોતાની પાસે રાખી પીડિત મહિલાને ૭ દિવસ પહેલા ઘરમાંથી કાઢી મૂકી હતી. સાથોસાથ પીડિતાએ જણાવ્યું કે, તેમના લગ્નજીવનને ૪ વર્ષ જેટલો સમય થયો છે. હાલ ૨ સંતાનો પણ છે. પીડિતાનો પતિ તેણીના પિયરપક્ષના સભ્યો વિશે અવાર-નવાર અયોગ્ય ટીપ્પણી કરતો તથા તેણીના ચારિત્ર્ય પર શંકા કરી માનસિક ત્રાસ આપતો હતો. આ બાબતે પીડિતાના સાસુ-સસરા તેણીના પતિને સહયોગ કરતા હોવાથી મહિલા માટે ઘરમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ૭ દિવસ પહેલા થયેલા ઘર કંકાસને કારણે પરિસ્થિતિએ અતિ ગંભીરરૂપ લેતા પીડિતાને ઘરની બહાર ધકેલી દેવામાં આવી હતી.
અભયમ ટીમે પીડિતાને સાંત્વના પાઠવીને પીડિતાના સાસરી પક્ષના સભ્યોનું કાઉન્સેલિંગ કરતાં મહિલાઓને માનસિક અને શારીરિક હિંસા સામે રક્ષણ આપતા કાયદાઓ અંગે તથા નાના બાળકના વિકાસ માટે માતાની હુંફ ખુબ જરૂરી છે તે વિશે સમજાવ્યું હતું. અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ બાદ પીડિતાના સાસરીપક્ષને તેઓની ભૂલનો અહેસાસ કરાવ્યો. સાસરીપક્ષ દ્વારા બાળકોને માતાને સોંપી સહર્ષ મહિલાનો સ્વીકાર કરવામાં આવ્યો અને ફરીથી આવી ઘટનાઓ ન બને તે માટે ખાતરી પણ આપી હતી.
આમ, ૧૮૧ અભયમ ટીમ દ્વારા પીડિતાના સાંસારિક જીવનની સમસ્યાનું સુખદ સમાધાન કરવામા આવ્યું હતું. પીડિત મહિલાએ તેના બાળકો પરત મળતા આનંદની લાગણી વ્યક્ત કરી અભયમ ટીમનો આભાર માન્યો હતો.
