હિન્દ ન્યુઝ, મોરબી
મોરબી જિલ્લામાં સરકારી વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને પ્રજાભિમુખ બનાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની સર્વગ્રાહી મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરએ હળવદ મામલતદાર કચેરીની મુલાકાત દરમિયાન જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર અને પુરવઠા વિભાગની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસણી દરમિયાન કચેરી ખાતે પોતાના કામ અર્થે આવેલા સ્થાનિક અરજદારો સાથે કલેક્ટરએ પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો અને કચેરીમાંથી મળતી સેવાઓ તેમજ વહીવટી પ્રક્રિયા અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.
હળવદ તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરીની મુલાકાત લઈ કલેક્ટરએ ત્યાં રજૂ થતા સ્થાનિક પ્રશ્નો, લોકફરિયાદો અંગે સંબંધિત અધિકારીઓ સમીક્ષા કરી હતી તેમજ પ્રજાના પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં સકારાત્મક નિકાલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
