હિન્દ ન્યુઝ, વલસાડ
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરના પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને નગર રોજગાર કચેરી ધરમપુરના સંયુક્ત ઉપક્રમે જોબફેર યોજાયો હતો.
રોજગાર મેળામાં આસપાસના વિસ્તારોની અંદાજિત ૨૫ જેટલા નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ રોજગાર મેળામાં વિવિધ કંપનીઓ દ્વારા નોકરીઓ અને એપ્રેન્ટિશિપની જગ્યાઓ માટે ઉપસ્થિત રહેલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. કુલ ૬૯૬ હાજર ઉમેદવારોમાંથી ૪૩૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન દ્વારા રાજ્ય સરકારની રોજગારલક્ષી નીતિઓ જણાવી યુવાનોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા અને માર્ગદર્શન પાઠવ્યું હતું.
કાર્યક્રમમાં ધરમપુર મામલતદાર હાર્દિકભાઈ ધોડિયા, જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલ, ધરમપુર આઈટીઆઈ આચાર્ય જે. ટી. પટેલ કંપનીના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
