હિન્દન્યુઝ, સુરત
આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ, નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ગેટ પાસે અને પાર્કિંગ નજીક અંદાજે રૂ. ૩.૬૦ કરોડના ખર્ચે આ નવીન સુવિધાનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ગેટ પાસે અને પાર્કિંગ નજીક નિર્માણ પામનાર અદ્યતન પોસ્ટમોર્ટમ રૂમનું ખાતમૂહુર્ત સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ અને ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, RMO ડો.કેતન નાયક, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ઈકબાલ કડીવાલાના વરદ હસ્તે કરાયું હતું.
આ નવું ભવન સુરત અને દક્ષિણ ગુજરાતના ફોરેન્સિક અને તબીબી ક્ષેત્રે તપાસ અને શૈક્ષણિક પ્રક્રિયાને વધુ વેગવંતી અને સચોટ બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આ અદ્યતન સંકુલમાં મેડિકલ ગાઈડલાઈન્સ અનુસાર સુવિધા યુક્ત તબીબી રૂમ, લેક્ચર હોલ તેમજ ફોરેન્સિક એક્સપર્ટ્સ માટેની ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ઉલ્લેખનીય છે કે, અહીં જટિલ કેસોના પીએમ (પોસ્ટમોર્ટમ) માટે બહારથી પણ ફોરેન્સિક એક્સપર્ટ્સ આવતા હોય છે, જેમના માટે આ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે.
