હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
આગામી જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં શિક્ષણનો મહોત્સવ એટલે કે ‘શાળા અને આંગણવાડી પ્રવેશોત્સવ’ યોજાવા જઈ રહ્યો છે. આ અભિયાનના સુચારુ અમલીકરણ અને જિલ્લાનું એક પણ બાળક શિક્ષણ અને પોષણના અધિકારથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુ સાથે છોટાઉદેપુર કલેકટર ગાર્ગી જૈનએ અછાલા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન કલેકટરએ જે બાળકો આગામી જૂન માસમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવવાને પાત્ર છે, તેવા બાળકોના ઘરે રૂબરૂ જઈ તેમના માતા-પિતા સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે વાલીઓને આંગણવાડીના મહત્વ વિશે સમજ આપી હતી અને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે વહેલી તકે પ્રવેશ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ આરોગ્ય ક્ષેત્રે પણ કલેકટરશ્રીએ વિશેષ તકેદારી દર્શાવી હતી. તેમણે ગામની એક સગર્ભા માતાની મુલાકાત લઈ તેમને આઈ.સી.ડી.એસ. (ICDS) અને આરોગ્ય વિભાગ તરફથી મળતી સહાય તેમજ પોષણક્ષમ આહાર વિશે પૃચ્છા કરી હતી. ત્યારબાદ તેમણે રાયસીંગપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી.
આ મુલાકાતના અંતે કલેકટરએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી કે, કોઈપણ બાળક આંગણવાડી પ્રવેશોત્સવથી વંચિત ન રહે, દરેક વિસ્તારનું ચોકસાઈપૂર્વક ‘માઇક્રો પ્લાનિંગ’ કરવામાં આવે.આંગણવાડી કાર્યકર અને આશા બહેનોએ છેવાડાના ઘર સુધી પહોંચી કામગીરી કરે.
આ બેઠકમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર (ICDS), તાલુકા વિકાસ અધિકારી (TDO) – છોટા ઉદેપુર, ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ., રાયસિંગપુરા મેડિકલ ઓફિસર, સર્કલ ઓફિસર, સી.એચ.ઓ. (CHO), એફ.એચ.ડબલ્યુ. (FHW), સુપરવાઈઝર, આંગણવાડી કાર્યકર તથા આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
