હિન્દ ન્યુઝ, સોમનાથ
સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં તા. 11 મેના રોજ માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે તે સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
આ અવસરે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ અને પ્રવક્તા મંત્રી
જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનના ગુજરાતની મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા.
મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન તા. 11 મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પધારશે અને હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શૉ યોજીને જનતાનું અભિવાદન ઝીલશે. મંદિરમાં વડાપ્રધાન દ્વારા કુંભાભિષેક, ધ્વજ પૂજા, મહાપૂજા કરવામાં આવશે. આ દરમિયાન સૂર્યકિરણ વિમાનનો એર-શૉ અને મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે…
મંદિર પરિસરના કાર્યક્રમ બાદ વડાપ્રધાન સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે; આ રીતે વડાપ્રધાનની ગરિમામય ઉપસ્થિતિમાં આસ્થા અને અસ્મિતાના દિવ્ય 75 વર્ષ નિમિત્તે ‘સોમનાથ અમૃત પર્વ’ની ભવ્ય ઉજવણી કરાશે.
