હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ સહિત પ્રશ્નો સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિતે ફેબ્રુઆરી માસમાં યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યકમની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૩ અરજદારો દ્વારા ૩ પ્રશ્નોની અરજી કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમ્યાન આ તમામ ૩ અરજીઓના અરજદારોએ પોતાના પ્રશ્નો કલેકટર સમક્ષ રજુ કર્યા હતા. જેમાં ફતેપુરા તાલુકાના નાની રેલ પૂર્વ ગામમાં નળ સે જલ યોજનાનો લાભ ન મળવાનો પ્રશ્ન, દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ખાતે જમીન ક્ષેત્રફળમાં સુધારો લાવવા બાબત તેમજ દાહોદ તાલુકામાં પ્રશ્ન સંબંધિત સોસાયટીમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા, રસ્તા રીપેર કરવા તેમજ કચરો લેવા માટે ગાડી સંબંધિત પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા.
કલેકટર યોગેશ નિરગુડેએ તમામ અરજદારોના પ્રશ્નો ધ્યાનથી સાંભળીને સંબંધિત અમલીકરણ અધિકારીઓને અરજદારોએ રજુ કરેલા પ્રશ્નોના તાત્કાલિક નિકાલ લાવવા માર્ગદર્શન સહિત સુચના આપી હતી. સંબંધિત અધિકારીઓ જે-તે સ્થળની રૂબરૂ મુલાકાત લઈને કામગીરી ચકાસણી કરે તે અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તમામ અધિકારીઓએ પોતાના વિભાગમાં સમયાંતરે ટેબલ ઇન્પેક્ષન કરીને પોતાના વિભાગમાં થઇ રહેલ કામગીરીની સમીક્ષા કરતા રહેવું જોઈએ.
