હિન્દ ન્યુઝ, સુરત
કહેવાય છે કે, લોહીના સંબંધોને દુનિયાના કોઈ પણ કાગળ કે કરાર બાંધી શકતા નથી. ખાસ કરીને એક માતા માટે તેના સંતાનોથી દૂર રહેવું એ આજીવન વનવાસ જેવું હોય છે. સુરતના અમરોલી પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC) સમક્ષ એક એવો જ કિસ્સો આવ્યો, જ્યાં પ્રેમ, લગ્નોની ગૂંચવણ અને મૈત્રી કરારની વચ્ચે એક માતાનું હૃદય તેમના બાળકો માટે તડપતું હતું. આ વાત છે ગૂંચવાયેલા સંબંધોના સુખદ સમાધાનની.
સામાજિક સંબંધોની ગૂંચવણ અને પારિવારિક વિખવાદો વચ્ચે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા અને પારિવારિક શાંતિ માટે સુરતનું અમરોલી પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC) પરિવારોને જોડવામાં મહત્વનું માધ્યમ બન્યું હતું.
સુરતમાં રહેતા શારદાબેન (નામ બદલ્યું છે)નો દીકરો, જે અગાઉ ત્રણ લગ્ન કરી ચૂક્યો હતો, તેણે ચોથી વાર પ્રેમમાં પડીને લવ-મેરેજ કર્યા. આ વાતની જાણ થતાં તેની ત્રીજી પત્ની પોતાના માસૂમ બાળકોને છોડીને જતી રહી. આ સમયે સામાપક્ષની એક મહિલા, જે પોતે પણ બે બાળકોની માતા હતી, તેણીએ પોતાના પતિ તથા બે સંતાનોનો સાથ છોડી શારદાબેનના દીકરા સાથે ચાર વર્ષથી રહેતી હતી. સમાજની નજરમાં આ સંબંધને કાયદેસર કરવા ‘મૈત્રી કરાર’ કરવામાં આવ્યા હતા.

