ડાંગના આંબાપાડા ગામના ખેડુતે પારંપારીક ખેતી સાથે બાગાયતી કારેલાની ખેતીમાં મબલખ પાક લણ્યો

હિન્દ ન્યુઝ, ડાંગ

    ડાંગ જિલ્લાના ખેડૂતો આજે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ખેડૂતોની અવિરત મહેનત તથા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના અસરકારક અમલના પરિણામે જિલ્લામાં બાગાયતી ખેતીને પૂરતું પોષણ મળી રહ્યું છે. બાગાયત ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ જિલ્લાના કૃષિ વિકાસનું ઉજળું ચિત્ર રજૂ કરે છે. કૃષિ અને બાગાયત ક્ષેત્રે ડાંગ જિલ્લાના ખેડૂતો ઉતરોતર વિકાસ સાધી રહ્યા છે. 

ડાંગના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ આંબાપાડા ગામના ખેડુત કાશીરામ સોમાભાઇ ગાવિતે પરંપરાગત ખેતી સાથે બાગાયતી પાકોની ખેતી કરી મબલક પાક લણ્યો છે. તેઓએ બાગાયત વિભાગ માંથી સરકારી યોજનાનો લાભ મેળવીને મરચાં, સ્ટ્રોબેરી, તેમજ કારેલાંની ખેતી કરી છે. છેલ્લાં સાત વર્ષ થી તેઓ કારેલાંની ખેતી કરી રહ્યાં છે. જેમાં તેઓ વાર્ષિક પાંચ લાખ જેટલી આવક મેળવી રહ્યાં છે. 

 કાશીરામ સોમાભાઇ ગાવિત જણાવે છે કે, તેઓએ પરપંરાગત ખેતી જેમાં ડાંગર, નાગલી, અડદ, તુવેર વિગેરેની ખેતી કરતાં હતાં, પરંતુ રવી સીઝનમાં બાગાયતી ખેતી કરવાનું વિચારી સૌ પ્રથમ કારેલાંની ખેતી શરૂ કરી સાથે જ તેઓએ સરકારશ્રીની યોજનમાંથી સબસીડી મેળવી, જેમાં કારેલાના કાચા મંડપની યોજના સહાયમાં ૭૫ ટકા સબસીડી, કારેલાના હાઇબ્રિડ બિયારણ માટે ૫૦ ટકા સબસીડી, પ્લાસ્ટીક મલ્ચીંગ આચ્છાદન માટે ૭૫ ટકા સબસીડી પેટે મળેલ છે.  

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં વિવિધ બાગાયતી પાકોનું વાવેતર સતત વધી રહ્યું છે. ખેડૂતો નવી પદ્ધતિઓ અપનાવી, અવનવા પાકો ઉગાડી અને ઉપજ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયોગોના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. રાજ્ય સરકારની અનેકવિધ સહાય યોજનાઓ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે.

Related posts

Leave a Comment