હિન્દ ન્યુઝ, ધરમપુર
ધરમપુરના વ્યાસ તીર્થ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનો પાવન પ્રારંભ થયો છે. ધાર્મિક વિશ્વમાં મહત્વ ધરાવતો આ કાર્યક્રમ આ વર્ષે વિશેષ કારણોસર વધુ ચર્ચામાં છે, કારણ કે વ્યાસ પીઠના ઇતિહાસમાં પહેલી વાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદા અને તેમના આત્મજ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય આશિષભાઈ વ્યાસ એક જ વ્યાસ પીઠ પરથી સંયુક્ત ભાગવત કથા વાંચન કરી રહ્યા છે. ધરમપુર અને આજુબાજુના વિસ્તારોમાં આ પ્રસંગને લગતું ઉત્સાહ સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યું છે.
સવારે ધર્મુદાદા પાર્કથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. ઢોલ- નગારાના તાલ સાથે શંખનાદ, હરિભક્તોના જયઘોષ અને સુશોભિત પાળખી દ્વારા પોથીયાત્રાએ શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જ્યો હતો. પોથીયાત્રા વ્યાસ તીર્થ સુધી પહોંચતા ભક્તોનું વાદળ જેવું જનમેદની સ્વાગત માટે ઉમટી પડ્યું હતું.

પોથીયાત્રા બાદ વ્યાસ પીઠ પર કથાનુ મંગલ પ્રારંભ થયો. પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાએ મંત્રોચ્ચાર સાથે કથાનો પ્રારંભ કર્યો અને શ્રીમદ્ ભાગવતના પવિત્ર શ્લોકોથી પવિત્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું.
દૈનિક કથા સવારે 9:30 થી 12:00 અને સાંજે 4:00 થી 6:30 વાગ્યા સુધી યોજાશે.સાત દિવસ સુધી ચાલનારી આ કથામાં ભક્તિ, જ્ઞાન અને સંસ્કારના અમૃતમય પ્રસંગોનું વર્ણન થશે.
આ પાવન આયોજનના યજમાન અલકાબેન અને ભાવેશભાઈ ભીડે પરિવાર મુંબઇ તથા પાર્વતીબેન અને શિવગણભાઈ રામાણી પરિવાર બેંગલોર છે, ભાગવત કથામાં દેશના વિવિધ સ્થાનોથી તથા ધરમપુરનાં સ્થાનિક ભક્તો ઉમટી પડ્યા હતા, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અમિત ચોરેરા, નગરપાલિકા સભ્ય સમીપ રાંચ સહિતના મહાનુભાવો પોથી યાત્રામાં અને કથામાં જોડાયા હતા.

વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ


