હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલવિહિર ગામની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાનને વેગ આપતા રાજ્યપાલએ ગોંડલવિહિર ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે વૃક્ષને ઉછેરવું એ પુણ્યનું કામ છે, તેમ જણાવી વૃક્ષનો નિયમિત ઉછેર તેમજ સારસંભાળ લેવાં પણ આહવાન કર્યું હતું.
પર્યાવરણની સાથે જનસ્વાસ્થ્યનો વિચાર કરતા રાજ્યપાલએ ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાર્થક કર્યો હતો. તેમણે પોતે હાથમાં ઝાડુ પકડી ગામના પટેલ ફળિયામાં સફાઈ કરી ગ્રામજનો સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે આપણું આંગણું, શેરી અને ગામ સ્વચ્છ હશે, ત્યારે જ એક સ્વસ્થ અને સુદ્રઢ સમાજનું નિર્માણ થઈ શકશે.
આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં રાજ્યપાલની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, તેમજ જિલ્લા કલેક્ટર સુ શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા, જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવ, પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલ સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા. સમગ્ર ગોંડલવિહિર ગામ આ જનજાગૃતિ અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી બન્યું હતું.
