કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલના હસ્તે નવસારી જિલ્લામાં રૂ.૨૬ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, નવસારી

     નવસારી જિલ્લાના દશેરા ટેકરી ખાતે આજ રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે રૂ.૨૬ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લોકહિત અને વિસ્તારના સર્વાંગી વિકાસની ભાવનાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો ખાતમુહૂર્ત કરવામા આવ્યા હતા. 

             ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત જલાલપોરની નવનિર્મિત મામલતદાર કચેરી, DMF યોજના અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો તેમજ પંચાયત સિંચાઈ યોજનાના ચેકડેમ કમ ટાઈડલ રેગ્યુલેટર જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કામોથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે તેમજ જળ વ્યવસ્થાપન વધુ મજબૂત બનશે.

               આ પ્રસંગે મંત્રી સી.આર. પાટીલે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં ઝડપભેર આગળ વધી રહેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને યોજાઈ રહેલા ફ્લાવર શો, કાઈટ ફેસ્ટિવલ જેવા પ્રયોગોને તેમણે લોકકેન્દ્રિત આયોજનના ઉત્તમ ઉદાહરણ ગણાવ્યા હતા. “વિકાસ કાર્યોમાં નાગરિકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી એ સરકારનો અડગ સંકલ્પ છે,” એમ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું વધુમાં, જળ સંચય અને સ્વચ્છતા ક્ષેત્રે નવસારી જિલ્લામાં થઈ રહેલી કામગીરીની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું. નવસારીને એક મોડેલ જિલ્લો બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડતો હોય ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખી પાણી બચાવવાનો સંકલ્પ લેવાની લોકોને અપીલ કરી હતી.

             આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં ખાતમુહૂર્ત થયેલા વિકાસ કાર્યોને લોકકલ્યાણકારી ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે આવા પ્રોજેક્ટ્સથી નવસારી જિલ્લાના નાગરિકોના સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે.

          કાર્યક્રમમાં “નવસારી જિલ્લા વિકાસ વાટિકા” પુસ્તકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

          આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment