હિન્દ ન્યુઝ, સુરત
કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત ૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા નક્સલ પ્રભાવિત વિસ્તારોના ૨૫૦ જનજાતીય યુવાનો સુરતના મહેમાન બની ગુજરાતની પ્રગતિ અને આતિથ્યની ઝાંખી કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોતે સહભાગી યુવાનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે ગહલોતે જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા યુવાનો પર નક્સલવાદી ગતિવિધિઓની નકારાત્મક અસર પડે છે, જેના કારણે તેમનો વ્યક્તિગત અને શૈક્ષણિક વિકાસ અવરોધાય છે.
તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આવા પડકારજનક વિસ્તારોમાં રહેતા યુવાનોના ઉત્થાન અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ પ્રકારના કાર્યક્રમો સરાહનીય છે, જેથી યુવાનો રાષ્ટ્રની મુખ્યધારા સાથે જોડાઈ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં પોતાની શક્તિ અને કૌશલ્યનો ઉપયોગ કરી શકે.
