હિન્દ ન્યુઝ, સુરત
‘માય ભારત’ સુરત દ્વારા આયોજિત ૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જનજાતીય યુવાનોએ સુરતના ઔદ્યોગિક અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી.
સુરતના વિકાસ મોડેલ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલી કારકિર્દીની તકોથી અવગત થઇ રાષ્ટ્રીય વિકાસની મુખ્યધારામાં સક્રિય થવાના હેતુથી યોજાયેલી ફિલ્ડ વિઝીટમાં તેમણે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ(SGCCI) ખાતે પ્રમુખશ્રી નિખિલ મદ્રાસી સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ યુવાનોએ સચિન GIDC સ્થિત સંકલ્પ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની મુલાકાત લઇ FOSTTAના ચેરમેનશ્રી કૈલાશ હકીમ દ્વારા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને ટેક્સટાઈલ ટ્રેડિંગ વિષે જાણકારી મેળવી હતી. સાથે જ ઈચ્છાપોર સ્થિત ગ્રીન લેબ ડાયમંડ્સની મુલાકાત લઇ ચેરમેનશ્રી મુકેશભાઈ પટેલ પાસેથી હીરા ઉદ્યોગ વિષે મહત્વની જાણકારી મેળવી હતી. તેમજ ઓલપાડ સ્થિત કિરણ મેડિકલ કોલેજની મુલાકાત દરમિયાન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ સુરતની અદ્યતન આરોગ્ય સુવિધાઓ અને ટેકનોલોજી વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી યુવાનોને જનસેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
