હિન્દ ન્યુઝ, સુરત
જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે ‘પોષણ સંગમ તાલીમ કાર્યક્રમ’ યોજાયો હતો. સુરત મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા ICDS શાખા અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં THO, મુખ્ય સેવિકાઓ, પી.એસ.ઈ ઇન્સ્ટ્રકટર, બ્લોક ન્યુટ્રીશન મેનેજર અને બ્લોક કો-ઓર્ડીનેટરોને પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્તરે કુપોષણથી પીડિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે કલેકટરએ તીવ્ર કુપોષણથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં થતાં વિક્ષેપ વિશે સમજ આપી રાજ્ય સરકારના પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ જિલ્લા અને તાલુકા સ્તરે થતી કામગીરીની સમીક્ષા કરી કુપોષણ નાબુદી માટે માતા અને કિશોરીઓને શિક્ષિત કરવા, પોષક આહાર માટે જાગૃત કરવા સૂચન કર્યુ હતું. તેઓને આદર્શ જીવનશૈલી માટે પ્રેરિત કરી કુપોષણ દૂર કરવા સક્રિય પ્રયત્નો હાથ ધરવા પ્રોત્સાહન આપ્યું હતું.
