મોટી બાણુંગાર ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમ હેઠળ સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર 

      જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ધ્રોલ તાલુકાના મોટી બાણુંગાર ગામે આવેલી માધ્યમિક શાળામાં ‘સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઈમ’ વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.NSS ના સંકલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ધોરણ ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓને આધુનિક ડિજિટલ પડકારો સામે સજ્જ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી ભાવનાબેન ભેસદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર શ્રીમતી બંસીબેન ખોડિયાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપી મહિલા લક્ષી યોજનાઓ અને સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સાયબર ક્રાઈમ બ્રાન્ચના PSI શ્રી એચ.કે. ઝાલાએ સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના માધ્યમથી થતા વિવિધ ગુનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અને આધુનિક ડિજિટલ યુગમાં સતર્ક રહીને ટેક્નોલોજીનો સુરક્ષિત ઉપયોગ કરવા અંગે ઉપયોગી માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં સાયબર ટીમ, અલીયાબાડા કોલેજના આચાર્યશ્રી, મોટી બાણુંગાર શાળાના આચાર્ય, પ્રોગ્રામ ઓફિસર NSS, DHEW તથા OSC સ્ટાફ અને અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment