હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોના વિકાસ અને સ્થાનિક સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને છોટાઉદેપુર તાલુકાના અછાલા અને અંબાલા ગામોની રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા વીજ પુરવઠા સંબંધિત પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરએ આ રજૂઆતોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી હતી અને ઉપસ્થિત વીજ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં નિયમોનુસાર સતત વીજ પુરવઠો મળી રહે તે માટે ટેકનિકલ ખામીઓ દૂર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
કલેક્ટરએ આ મુલાકાત દરમિયાન ગામની સસ્તા અનાજની દુકાનની પણ આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે રેશન વિતરણની પ્રક્રિયા, સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની ઝીણવટભરી માહિતી મેળવી હતી. કોઈપણ લાભાર્થી રેશન મેળવવાથી વંચિત ન રહે અને વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આગામી હોળીના તહેવાર પૂર્વે યોજાનારા પરંપરાગત ફેણાઇ માતાના મેળાના સ્થળની પણ જિલ્લા કલેક્ટરએ મુલાકાત લીધી હતી. મેળા દરમિયાન આવતા શ્રદ્ધાળુઓ અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તથા સુરક્ષા અને વ્યવસ્થા જળવાય તે સંદર્ભે પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત વેળાએ જિલ્લાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

