આણંદના શાસ્ત્રી મેદાન ખાતેથી ફ્લેગ-ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, આણંદ 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સરદાર @ 150 – યુનિટી માર્ચ’ રાષ્ટ્રીય પદયાત્રાને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર, આણંદના શાસ્ત્રી મેદાન ખાતેથી ફ્લેગ-ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

    મુખ્યમંત્રીએ આ અવસરે અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર-વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાના ધ્યેયને આત્મસાત કરી, રોજિંદા જીવનમાં માત્ર સ્વદેશી ચીજ-વસ્તુઓ અપનાવવાના શપથ લીધા હતા.

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ પદયાત્રાને પાઠવવામાં આવેલા શુભકામના સંદેશનું જિલ્લા કલેક્ટર દ્વારા પઠન કરવામાં આવ્યું હતું.

     મુખ્યમંત્રીએ આ અવસરે ડૉ.બાબાસાહેબ આંબેડકર અને સંવિધાન સભાના સૌ સદસ્યોને વંદન કરવા સાથે સૌને બંધારણ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સરદાર સાહેબની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આયોજિત કરમસદથી કેવડિયા સુધીની આ પદયાત્રા રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ પ્રશસ્ત કરશે. મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોહપુરુષ સરદાર સાહેબને આપવામાં આવેલ સાચી અંજલિ તેમજ વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવના ઇતિહાસનું જીવંત પ્રતિક ગણાવી અખંડ ભારતના નિર્માણ માટે સરદાર સાહેબના યોગદાનનું સ્મરણ કર્યું હતું. તેમણે સરદાર સાહેબે આપેલા રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત આ યુનિટી માર્ચ થકી લોકો સરદાર સાહેબના જીવન મૂલ્યોને જાણશે અને રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ મજબૂત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

     મુખ્યમંત્રીએ પોતે પણ અન્ય મહાનુભાવો સાથે દેશની એકતા, અખંડતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતીક સમાન આ યુનિટિ માર્ચમાં જોડાઈને રાષ્ટ્રભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી નાગરિકોને પ્રેરિત કર્યા હતા.

Related posts

Leave a Comment