હિન્દ ન્યુઝ, ભાવનગર
વલ્લભીપુર તાલુકાના બગોદરા-ધંધુકા- બરવાળા- વલ્લભીપુર-ભાવનગર રોડ પર કિમી. ૧૬૨/૮ થી ૧૬૩/૦ વચ્ચે આવેલ ઘેલો નદી પરના મેજર બ્રિજનું સ્ટ્રકચરલ સ્ટેબિલીટી વિઝયુઅલ ઇન્સ્પેકશન કરતાં આ રૂટ પર ચાલતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવા અંગે અને વૈકલ્પિક રસ્તા- ડાયવર્ઝન રૂટની વિગતો તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિતની વિગતો ધ્યાને લઇ આવતા-જતા ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવા કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ભાવનગર દ્વારા દરખાસ્ત રજૂ થયેલ છે. જે અનુસાર જાહેર હિતને ધ્યાનમાં લેતા જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, વલ્લભીપુર તાલુકાના બગોદરા-ધંધુકા- બરવાળા- વલ્લભીપુર-ભાવનગર રોડ પર કિમી. ૧૬૨/૮ થી ૧૬૩/૦ વચ્ચે આવેલ ઘેલો નદી પરના મેજર બ્રિજ ખાતે કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તથા જાનમાલની હાનિ ન થાય તે માટે આ રૂટ પર ચાલતા ભારે વાહનો માટે આ રસ્તો બંધ કરી ડાયવર્જન રૂટ ઉપર વાહનો પસાર કરવાના રહેશે.
ભારે વાહનોની અવરજવર માટે ધંધુકા-અમદાવાદ થી અમરેલી/પાલીતાણા/ગારીયાધાર તરફ જવા માટે મુળઘરાઈ થી ગઢડા થી અડતાળા થી લાખણકા થી ધોળા થઈ અથવા વલ્લભીપુર થી હળિયાદ થી પીપળી થી જુના રામપર અથવા મુળધરાઈ થી ગઢડા થી ગઢાળી થી લીમડા થઈ જઈ શકાશે. ભાવનગર થી વલ્લભીપુર/ધંધુકા /સુરેન્દ્રનગર/બોટાદ જવા માટે નારી સર્કલ થી માઢિયા થી આણંદપુર થી વલ્લભીપુર થઈ જઈ શકાશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.
