ડાંગમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી અંગેની પૂર્વ આયોજન માટેની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ

   આગામી તા.૯મી ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ દરબાર સાંસ્કૃતિક હોલ ખાતે આયોજિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઉજવણી સંદર્ભે પ્રાયોજના વહીવટદાર આનંદ પાટિલના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી.

દરમિયાન પાટીલે જણાવ્યુ હતું કે તા.૯/૮/૨૦૨૫ના રોજ સવારના ૮.૪૫ કલાકે આહવાના ગાંધી ઉધાનથી કાર્યક્રમના સ્થળ સુધી ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો અને વાજિંત્રો સાથે ઉત્સાહભેર રેલી યોજાશે. આ રેલીમાં મુખ્ય મહેમાન, પદાધિકારીઓ, કલેક્ટર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી બને તે જરૂરી છે.

કાર્યક્રમમા પધારનારા મહેમાનો તથા જનમેદની/લાભાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે વીજ પુરવઠો, તેમજ કાર્યક્રમની વિડીયોગ્રાફી/ફોટોગ્રાફી ડોક્યુમેન્ટેશન, સાઉન્ડ સિસ્ટમ, અને રાજ્ય ક્ક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થાય તે માટે જરૂરી કનેકટીવિટી એલ.ઇ.ડી.ની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા તથા પોલિસ બંદોબસ્ત વગેરે વિભાગના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ, નૃત્યો, વેશભૂષા તેમજ જુદા જુદા મંડળીઓના કલાકારો ભાગ લેશે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભોનું વિતરણ અને સન્માન સહિત વાહનોના પાર્કિગ વ્યવસ્થા, કાર્યક્રમમાં પધારનાર જનમેદની/લાભાર્થીઓ માટે અલ્પાહાર/ભોજનની વ્યવસ્થા વિગેરે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી હતી.

વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિધાર્થીઓ, રમતવીરો, કલાકારો, સામાજિક ક્ષેત્રે વિશિસ્ટ કામગીરી કરનાર, પ્રગતિશીલ ખેડૂતો વગેરેઓનું સન્માન પણ કરવામાં આવશે. 

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રમુખ એસ.ડી.તબિયાર, પ્રાંત અધિકારી સુ કાજલ આંબલીયા, કાર્યપાલક ઇજનેર કેતન કુકણા, નાયબ પોલિસ અધિક્ષક એસ.જી.પાટિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ જેવા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Related posts

Leave a Comment