હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક અવસરની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત@૭૫’ ડિઝાઈનની થીમ પર એક આકર્ષક લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર લોગોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ લાખનું ઇનામ આપવામાં આવશે, તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવશે. કલેક્ટર કેતન ઠક્કરે જામનગર જિલ્લાના નાગરિકોને આ અમૂલ્ય તકનો લાભ લેવા અને ૨૮ જુલાઈથી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર પોતાના ડિઝાઈન કરેલા લોગો સબમિટ કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ સ્પર્ધા દ્વારા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ગૌરવશાળી ઇતિહાસ અને અદભુત વારસાને લોગોના માધ્યમથી રજૂ કરવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે. આ પહેલ ગુજરાતના ૭૫માં વર્ષની ઉજવણીને જનભાગીદારીથી સર્વ-સમાવેશક અને સર્વવ્યાપી બનાવવાનો એક નવીન પ્રયાસ છે.
