હિન્દ ન્યુઝ, ભાવનગર
સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં શ્રમિકોના આરોગ્યની સંભાળ માટે ધન્વંતરી આરોગ્ય રથ અને મેડિકલ મોબાઇલ વાન કાર્યરત છે. આ આરોગ્ય રથ શ્રમિકો માટે ખરા અર્થમાં વરદાનરૂપ સાબિત થયાં છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ચાલતા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન ૨૩,૧૦૧ લોકોને OPD દ્વારા વિવિધ તબીબી સેવાઓ પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૧૮,૬૮૩ લોકોના વિવિધ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૧,૦૯૦ શ્રમિકોના ઇ-નિર્માણ કાર્ડ અને ૩૮૭ શ્રમિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના સહાય ફોર્મ ભરવાની કામગીરી પણ કરવામાં આવી છે. આમ, શ્રમિકોને ઘર આંગણે જ આરોગ્યની વિવિધ સેવાઓ પૂરી પાડવામા આવી રહી છે.
શિહોર ધન્વંતરી આરોગ્ય રથના મેડિકલ ઓફિસર ડૉ. મનિષાબેન ભાલિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચાલતાં આ ધન્વંતરિ આરોગ્ય રથ વિવિધ બાંધકામ સાઇટો પર અને કડિયાનાકા જેવા સ્થળો પર જઇને શ્રમિકોને તબીબી સેવાઓમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, ધાદર અને ખરજવા જેવા ચામડીના રોગો, હાથ, પગ અને માથાના દુખાવા તેમજ મહિલા અને બાળકો માટેની સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત આ રથમાં હિમોગ્લોબીન, બ્લડ શુગર, મેલેરિયા, યુરીન ટેસ્ટ, પ્રેગ્નન્સી ટેસ્ટ સહિતના અનેક મહત્વના જરૂરી લેબ ટેસ્ટ પણ કરવામાં આવે છે.
લેબર કાઉન્સિલર રાહુલભાઇ બારૈયા બાંધકામ સાઇટ પર અને કડિયાનાકા પર કામ કરતા બાંધકામ શ્રમિકોને નિર્માણ કાર્ડ કાઢવા તથા શ્રમિકોને મળતી સહાય યોજનાઓ માટેના ફોર્મ ભરવામાં માર્ગદર્શન આપે છે.
ધન્વંતરી આરોગ્ય રથમાં કુલ પાંચ વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત હોય છે, જેમાં મેડિકલ ઓફિસરની સાથે પેરામેડિક સ્ટાફ માં સાગરભાઇ પંડયા, લેબર કાઉન્સિલર રાહુલભાઇ બારૈયા, લેબ ટેકનિશિયન ભાર્ગવ ચૌધરી તથા રથ પાયલોટ અક્ષયભાઇ રાઠોડ સેવાઓ આપે છે.
