“શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫: ત્રીજો દિવસ”

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ના અંતિમ દિવસે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ફરેડા અને ગીરગઢડાની શાળાઓમાં બાળકોને હર્ષોલ્લાસથી શાળાપ્રવેશ કરાવ્યો હતો.

મંત્રીના હસ્તે ફરેડા પ્રાથમિક શાળા અને ગીરગઢડા ખાતે અભિનવ વિદ્યામંદિરમાં આંગણવાડી અને બાલવાટીકામાં ભૂલકાઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. તો, ધો.૧ અને ધો.૯માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી ઉમળકાભેર સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. 

મંત્રીએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ નવા સોપાનો સર કરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સુવિધાસભર માળખા સાથે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યરત છે. બાળકોને ઉત્તમ શિક્ષણ મેળવવામાં કોઈ જ અગવડતાં ન પડે એ માટે સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ સહિતની વધુને વધુ આધુનિક માળખાકીય સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે.

મંત્રીએ શૈક્ષણિક યોજનાઓનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા ‘નમો લક્ષ્મી’, ‘નમો સરસ્વતી’ જેવી અનેકવિધ શૈક્ષણિક યોજનાઓના માધ્યમથી દીકરીઓના ખાતામાં સીધા રૂપિયા જમા થઈ રહ્યા છે. આ રીતે સંવેદના સાથે શિક્ષણની અનેક સુવિધાઓ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે

શિક્ષણ ક્ષેત્રે ગ્રામજનોની ભાગીદારીનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, શાળા એ શિક્ષણનું વિદ્યામંદિર છે. અનેકવિધ શાળાકીય કાર્યોમાં વાલીઓ સાથે ગ્રામજનોની ભાગીદારી થાય તો શિક્ષણના આ મહાયજ્ઞમાં સોનામાં સુગંધ ભળે છે. એકતા અને સમરસતાંના પાઠ બાળકો શાળામાંથી જ શીખે છે.

ગાંધીજીના સત્યના પ્રયોગોને યાદ કરી મંત્રીએ ઉમેર્યું હતું કે, સત્યનું આચરણ એ જ સદાચાર છે. અન્ય પ્રત્યે હંમેશા સારું વલણ રાખવું જોઈએ કારણકે તમારી વર્તણૂકથી જ કેળવણીની સાચી ઓળખ થાય છે. દરેકને સન્માન આપવું એ જ ખરા અર્થમાં કેળવણી છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યયન પર ભાર મૂકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભણતરની સાથે સાથે જ ભગવદ્ ગીતાના અધ્યયન થકી વિદ્યાર્થીઓમાં અહિંસા, સદાચારવૃત્તિ, સેવા, પરોપકાર, શ્રેષ્ઠ કર્મ કરવાની ભાવના, પ્રેમ, કરુણા જેવા ભાવોના બીજ રોપાય છે. જ્યારે ભણવાનો સમય હોય છે ત્યારે ભણી લેવું અને સાથે સાથે જ અન્ય વાંચન પ્રવૃત્તિ થકી બૌદ્ધિક અને માનસિક ક્ષમતા શ્રેષ્ઠ બનાવવી જોઈએ.

આ અવસરે મંત્રીના હસ્તે વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલમહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રવેશોત્સવમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, સરપંચ, આચાર્યઓ, અગ્રણી સહિત સર્વે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Related posts

Leave a Comment