જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ગર્ભ પરિક્ષણ પર તંત્ર તવાઇ લાવશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ભારત એ વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ છે. પરંતુ સ્ત્રી-પુરુષના જાતિ ગુણોત્તરમાં ક્યાંક-ક્યાંક અસમાનતા જોવા મળે છે. ખાસ કરીને ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં આ ગુણોત્તર વચ્ચેની ખાઇ વધતી જાય છે. 

સમાજમાં દિકરાઓ માટેનું વધુ મહત્વ અને દિકરીને બોજ સમાજવાની સામાજિક માનસિકતાને કારણે દિકરા અને દિકરીઓનું પ્રમાણ દિવસે-દિવસે ઘટતું જાય છે. 

નવા શોધાયેલા મેડિકલના ઉપકરણો ખાસ કરીને સોનોગ્રાફી જેવા મશીનોને કારણે ગર્ભમાં જ દિકરો છે કે દિકરી તે જાણવાની ઉત્કંઠાને કારણે પણ ગર્ભપાતનું પ્રમાણ પણ વધ્યું છે. ક્યાંક લેભાગુ ડોક્ટરોની પૈસા કમાવવાની લાલચાને કારણે પણ આવા પરિક્ષણો થતા હોય છે. 

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અન્વયે આવું ગર્ભ પરિક્ષણ કાયદાકીય રીતે અમાન્ય છે. આ માટેની સૂચનાઓ પણ ગર્ભ પરિક્ષણ કરતા દવાખાને લગાવવાની હોય છે. 

જિલ્લામાં આવા પરિક્ષણો ન થાય અને જો કોઇ આવુ કૃત્ય કરતા ઝડપાય તો તેની સામે પગલા લેવાં માટે કલેક્ટરશ્રીની અધ્યક્ષત્તામાં અને જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી(પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના વડપણ હેઠળ જિલ્લા કક્ષાએ એક કમિટી પણ કાર્યરત છે. 

છેલ્લા થોડા સમયમાં જિલ્લા વહીવટી તંત્રના ધ્યાનમાં આવ્યું છે કે, ઉપરોક્ત જોગવાઇ હોવા છતાં જિલ્લામાં ખોટી રીતે ક્યાંકને ક્યાંક આવા ગર્ભ પરિક્ષણો થાય છે. 

જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આ અંગે કડક પગલા લેવા તંત્રને સૂચના આપી છે. અને આવું કોઇ કૃત્ય કરતા ઝડપાશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે. 

જિલ્લા કલેક્ટરએ આ અંગે વધુમાં જણાવ્યું છે કે, જિલ્લાના નાગરિકો આ પ્રકારે ખાનગીમાં ગર્ભ પરિક્ષણ થતું હોય તો જિલ્લા કલેક્ટરના ટેલિફોન નં.૦૨૮૭૬-૨૮૫૦૦૧ ઉપર ખાનગી રીતે જાણ કરી શકે છે. આ રીતે જાણ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે. 

જિલ્લા કલેક્ટરએ જિલ્લામાં ખોટી રીતે ગર્ભ પરિક્ષણ અટકે અને સ્ત્રી-પુરૂષ વચ્ચેનો જાતિ ગુણોત્તર જળવાઇ રહે તે માટે જિલ્લામાં ખોટી રીતે થતા ગર્ભ પરિક્ષણ માટે કડકમાં પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું છે.  

Related posts

Leave a Comment