અમદાવાદ વિમાન દુર્ઘટના
હિન્દ ન્યુઝ, આણંદ
તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનાની ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા. તેમના પાર્થિવ દેહને અમદાવાદથી આણંદ જિલ્લામાં તેમના વતનના ઘર સુધી લાવવા, અંતિમ સંસ્કાર સહિતની પ્રક્રીયા માટેની જરૂરી કાર્યવાહી માટેનું માર્ગદર્શન કલેકટર કચેરી આણંદ ખાતે આજે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ તાલુકાના પ્રાંત અધિકારીઓ સહીતના અન્ય ઉચ્ચ અધિકારીઓને આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ અધિકારીઓને જણાવ્યું હતું કે, મૃતકોના પરિવારજનોના ઘરે જતી વખતે તેમના સ્વજનની જેમ વર્તીને સૌજન્યતા દાખવવા અનુરોધ કર્યો હતો.
કલેકટરએ આણંદ જિલ્લાના ૩૩ જેટલા મૃત્યુ પામેલ મૃતકો સંબંધે જિલ્લાના અધિકારીઓ સાથે જરૂરી સંકલન કરી કામગીરી કરવા માટે કલેકટર કચેરી આણંદ ખાતે નોડલ અધિકારી તરીકે નાયબ કલેક્ટર મિતાબેન ડોડીયાની નિમણૂક કરી છે.
કલેક્ટરએ જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દિવસમાં સવાર-સાંજ એમ ૨ ટાઈમ સ્વજનોના ઘરે મુલાકાત લઈને તેમને કંઈ પણ મુશ્કેલી હોય તો સત્વરે જરૂરી કાર્યવાહી કરવા પણ અધિકારીઓને જણાવ્યું છે.
આ બેઠક પૂર્વે જિલ્લા કલેકટર સહીતના અધિકારીઓ દ્વારા મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે ૨ મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ સહીત પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહીત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
