હિન્દ ન્યુઝ, આણંદ
તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ (ગુરુવાર થી શનિવાર) દરમિયાન શાળાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની બ્રિફિંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યોજાયેલ બ્રિફિંગ મિટિંગમાં વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહીત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બ્રિફિંગ મીટીંગ અંતર્ગત અમૂલ્ય માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા અર્લી વોર્નીંગ સિસ્ટમ અંતર્ગત જે બાળકો શાળા છોડી દેવાનું સંભવિત જોખમ ધરાવે છે તેમની યાદી બનાવી તેમના વાલીઓને શિક્ષણનું મૂલ્ય સમજાવીને ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડી શકાશે,
આ બેઠકમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
વધુમાં તેમણે સંકલન સમિતિના અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, અધિકારીઓને મૂલ્યાંકન માટે જે પણ શાળા ફાળવવામાં આવે તે શાળામાં ચાલી રહેલ શાળાકીય પ્રવૃત્તિઓ તથા ભૌતિક સુવીધાઓ માટે રચનાત્મક સૂચનો શિક્ષણરૂપી યજ્ઞમાં યોગદાન રહેશે.
આ બેઠકમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી,નિવાસી અધિક કલેકટર આર.એસ દેસાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબહેન પ્રજાપતિ,જિલ્લા શિક્ષણાધિકારી કામીનીબહેન ત્રિવેદી સહીત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
