પૂરક પરીક્ષા-૨૦૨૪ના સુચારૂ આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, 

     સમગ્ર જિલ્લામાં તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ ગેરરીતિ વગર અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરએ પૂરક પરીક્ષાઓની તૈયારીઓ અને સુનિયોજીત આયોજન વિશે માહિતી મેળવી હતી. કલેક્ટરએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા, આરોગ્ય વિભાગના અધિકારીઓને તમામ પરીક્ષા સ્થળો ખાતે એક મેડીકલ ટીમ રાખવાની સૂચનાઓ આપી હતી.

 જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.બોરીચા દ્વારા પૂરક પરીક્ષાના આયોજન અંગે વિગતો આપતા જણાવાયું હતું કે, ધો.૧૦ અને ધો.૧૨ના તમામ ઝોન કાર્યરત રહેશે. તમામ પરીક્ષાઓ જિલ્લા કક્ષાએ લેવાશે. જેમાં ધોરણ-૧૦ના ૦૮ પરીક્ષાસ્થળો અને ૦૧ દિવ એમ કુલ ૦૯ પરીક્ષા સ્થળોના કુલ ૭૮ બ્લોકમાં ૨,૩૪૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૦૧ પરીક્ષા સ્થળમાં ૦૯ બ્લોકમાં કુલ ૨૭૦ પરીક્ષાર્થીઓ અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૦૧ પરીક્ષા સ્થળોના ૧૪ બ્લોકમાં કુલ ૨૮૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લા કક્ષાએ તા.૨૨ જૂનથી કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે અને પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલીઓ હશે તો તેમના માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાશે. સ્ટ્રોંગરૂમ અને પરીક્ષાસ્થળો ઉપર પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત, એસ.ટી.વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષાસ્થળો પર પરીક્ષાના સમય મુજબ આવવા-જવા માટે જરૂરી વ્યવસ્થાઓ વગેરે વિશેની માહિતી તેમણે પૂરી પાડી હતી.

ઉલ્લેખનીય છે કે, પરીક્ષામાં કોઈ જગ્યાએ ગેરરીતિ ન થાય તે માટે તે હેતુસર પરીક્ષાસ્થળો પર વર્ગ-૦૧ અને વર્ગ-૨ના અધિકારીઓ નિયુક્ત કરાશે.

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ દ્વારા પરીક્ષાસ્થળોની આસપાસના ૧૦૦ મીટરમાં ઝેરોક્ષ/ફેક્સ સેન્ટરો બંધ રાખવા, લાઉડ સ્પીકર, બેન્ડવાજા જેવા સાધનોનો ઉપયોગ ન કરવા તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટવોચ જેવી ઈલેક્ટ્રોનિક આઈટમો કે પુસ્તકો, ઝેરોક્ષ, કાપલી જેવી વસ્તુઓ સાથે ન લઈ જવા પ્રતિબંધાત્મક આદેશો પણ પ્રસિદ્ધ કરાયાં છે.

આ બેઠકમાં શિક્ષણ વિભાગના જુદા-જુદા શિક્ષકસંઘના હોદ્દેદારો, ઉના, કોડીનાર અને વેરાવળના ડેપો મેનેજર, પીજીવીસીએલના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment