ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોને કાળજી અંગે માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.

કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.

બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગેરે વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો.

પાકને નિંદામણ મુક્ત રાખવો જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય. અન અધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે. 

Related posts

Leave a Comment