હિન્દ ન્યુઝ, રાજકોટ
પંચશીલમાં પરિસંવાદ: સૂકામાં સુવાડી ભીને પોઢી પોતે…ઈશ્વર કણ કણમાં નથી એટલે જ તેમણે માઁ ને ધરતી પર મોકલી
માતૃશક્તિને સલામ: રાજકોટની બ્રહ્માકુમારી બહેનોએ માતૃ દિવસ મનાવ્યો : ભારતીદીદીજી સાથે સ્નેહમિલન યોજાયો
રાજકોટ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી સ્વસ્થ પરિવાર માટે માતાઓની ભૂમિકા વિષય પર પંચશીલ જ્યોતિ દર્શન સેવા કેન્દ્ર ખાતે પરિસંવાદ યોજાયો હતો. જો કે, એ પહેલા માતૃવાત્સલ્યના ધની, માતાઓમાં શક્તિ ભરનારા, જ્ઞાનરત્નોથી પાલના કરનારા રાજયોગીની બ્રહ્માકુમારી ભારતીદીદીજી ના પરમ સાનિધ્યમાં રાજકોટની 60 થી વધારે બ્રહ્માકુમારી બહેનોએ માતૃ દિવસની ઉજવણી કરી હતી.

ઈશ્વર કણ કણમાં નથી એટલે જ તેમણે પોતાના રૂપમાં માઁ ને ધરતી પર મોકલી છે. માઁ નો મહિમા અપરંપાર છે, અતુલ્ય છે તે સહુ કોઈ જાણે છે. બ્રહ્માકુમારીઝ દ્વારા મધર્સ ડે નિમિતે ગઈકાલે રવિવારે બે કાર્યક્રમ પંચશીલ સોસાયટી જ્યોતિ દર્શન સેવા કેન્દ્ર ખાતે યોજાયા હતા. જેમાં સવારના ભાગે રાજકોટ અને આસપાસના તમામ સેવા કેન્દ્રોના 60થી વધારે બ્રહ્માકુમારી બહેનોએ માતૃ દિવસની ઉજવણી કરી હતી. જેમાં તેમનું સ્નેહ મિલન, મીટિંગ, યોગ અને ભારતીદીદી જીના આશીર્વચન વગેરે પ્રવૃત્તિઓ સામેલ હતી.
ગત સાંજે યોજાયેલા કાર્યક્રમનું સંચાલન બ્રહ્માકુમારી કિંજલદીદીએ સુ-રીતે કર્યું હતું. આ પ્રસંગે કણસાગરા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો. જ્યોતિબેન રાજ્યગુરુ, સામાજિક કાર્યકર કાંતાબેન કથીરિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસર ડો. અશ્વિનીબેન જોશી તેઓ તજજ્ઞ, મહિલા અગ્રણી અને મુખ્ય મહેમાન રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સાથે બ્રહ્માકુમારી આરતીબેન પણ મંચસ્થ હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી. કાર્યક્રમનો પ્રારંભ ઈશ્વરની યાદથી કરાયો હતો. ત્યારબાદ બ્રહ્માકુમારી કિંજલદીદીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. બ્રહ્માકુમારી આરતીબેને નવાગંતુક બહેનોને બ્રહ્માકુમારીઝ સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો.

આ ઉપરાંત, મહેમાનો ડો. જ્યોતિબેન રાજ્યગુરુ, કાંતાબેન કથીરિયા અને ડો. અશ્વિનીબેન જોશીએ પ્રસંગોચિત વ્યાખ્યાન કરી મન મોકળું કર્યું હતું. તેમણે માતાને વિશ્વની સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉમદા, સૌથી આદર્શ અને નંબર વન મેનેજમેન્ટ ગુરુ હોવાનો એક સૂર વ્યક્ત કર્યોં હતો.

તેમણે માતાને ત્રિવિધ રૂપ પત્ની, વહુ અને મમ્મીના રૂપમાં શ્રેષ્ઠ સંચાલિકા, સંસ્કાર સિંચન કરનારી અને વ્યવહારુ બની ઘર સાચવનારી ગણાવી માતા ના વખાણ કર્યા હતા. વિચારો, માઁ નું અસ્તિત્વ જ ન હોત તો ? એટલે જ ગુજરાતી સાહિત્યમાં ઘણી કરુણતાથી કહેવાયું છે કે – માં ન મરશો કોઈ……


