હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના ગાયનેક વિભાગે રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા માટેના મહત્વપૂર્ણ “લક્ષ્ય પ્રોગ્રામ” અંતર્ગત મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં આરોગ્ય વિભાગ, ગાંધીનગર દ્વારા હોસ્પિટલના ગાયનેક વિભાગને “લક્ષ્ય” પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ મૂલ્યાંકનમાં લેબર રૂમ ૯૪% અને મેટરનિટી ઓ.ટી. ૯૩% ના ઉચ્ચ ગુણ સાથે સફળતાપૂર્વક પ્રમાણિત થયા છે.
ઉલ્લેખનીય છે કે, તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ રાજ્યકક્ષાના નિયુક્ત એસેસર દ્વારા ગાયનેક વિભાગના લેબર રૂમ અને મેટરનિટી ઓ.ટી.નું સઘન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.આ મૂલ્યાંકન દરમિયાન ઉપલબ્ધ તબીબી સેવાઓ, સહાયક સેવાઓ, સ્ટાફની કાર્યક્ષમતા, વિવિધ દસ્તાવેજો અને સૂચકાંકોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના એસેસર તરીકે ગાયનેક વિભાગના વડાશ્રી, પી.ડી.યુ મેડીકલ કોલેજ – રાજકોટ અને એ.એચ.એ, પી.ડી.યુ મેડીકલ કોલેજ – રાજકોટ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગના નિષ્ણાંત તબીબો, નર્સિંગ સ્ટાફ અને વહીવટી સ્ટાફના અથાગ અને સમર્પિત પ્રયત્નોના પરિણામે આ પ્રતિષ્ઠિત “લક્ષ્ય” પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન હોસ્પિટલમાં ૮,૪૪૨ સફળ ડિલિવરી નોંધાઈ છે, અને ૧૬,૯૧૩ સગર્ભા માતાઓને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવામાં આવી છે.
