‘આપણે તો ચોખ્ખું ખાવું છે અને લોકોને ચોખ્ખું ખવડાવવું છે’ ના ઉદેશ

હિન્દ ન્યુઝ, રાજકોટ

‘આપણે તો ચોખ્ખું ખાવું છે અને લોકોને ચોખ્ખું ખવડાવવું છે’ ના ઉદેશ સાથે પ્રાકૃતિક ખેતી શરુ કરનારા ઉપલેટા તાલુકાના વડાળી ગામના નીતિનભાઈ અઘેરા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રોલ મોડેલ બન્યા છે.

વડાળી ખાતે નીતિનભાઈએ ૪૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિક ઢબે શરુ કરેલી. જેમાં ડ્રેગન ફ્રૂટ અને તરબૂચ સમાંતરે વાવ્યા છે. આજના સમયની માંગ મુજબ હવે બ્રોકલીની ખેતી પણ તેઓએ શરુ કરી છે. આ સાથે ફાર્મમાં મોટા ભાગના વિસ્તારમાં તેમણે લીંબુનું વાવેતર કરેલું છે. રોજબરોજના ભોજનમાં ઉપયોગી રાસાયણિક ખાતર વગરના શાકભાજી મળી રહે તે માટે કોબી,ગુવાર, ભીંડો, મરચી, ટમેટાની ખેતી પણ કરે છે.

હાલમાં તેઓના ફાર્મ પર ૩૦૦ થી વધુ ખેડૂત પરિવારોએ મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની માવજત અંગે સમજ કેળવી હતી. આગામી દિવસોમાં નાગરિકોને પ્રાકૃતિક ખેત પેદાશ મળી રહે, તે માટે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

 નીતિનભાઈએ તેમના ખેતરમાં નર્મદા મૈયા આરતી પૂજન અને અગ્નિહોત્ર યજ્ઞનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. આમંત્રિત મહેમાનોને પ્રાકૃતિક ખેતીમાંથી તૈયાર કરાયેલ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો-મહંતો, રાવકીનાં પ્રગતિશીલ ખેડૂત કે.કે. જાડેજા સહીત આશરે ૩૦૦ જેટલા ખેડૂત પરિવારો સહભાગી બન્યા હતાં.

નીતિનભાઈ અને સાથી ખેડૂત મિત્રોએ લોકોને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ મળી રહે તે માટે ઉપલેટા ખાતે મોલ પણ બનાવ્યો છે. અહીં લોકો રોજબરોજની ખાદ્ય સામગ્રી ખરીદી શકે છે. મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી આત્મા પ્રોજેક્ટના સહયોગથી ગામેગામ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Related posts

Leave a Comment