જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂનની તૈયારીઓ અંગે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

            જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે પ્રિ-મોન્સૂનની તૈયારીઓ અંગેની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેકટરએ પ્રિ-મોન્સૂનની તૈયારીઓ માટે ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યૂ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરી શકાય તેવાં વિસ્તારોનો સર્વે કરવાં જણાવ્યું હતું.

          કલેકટરએ પાણી ભરાવાના પ્રશ્નો ન રહે અને વોકળા, ગટરની સાફ-સફાઇ સમયસર થઇ જાય તેમજ ખાસ કિસ્સામાં કે, ગોવિંદપરા અને ઉમરેઠી રોડ ઉપર ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા અંગે તથા જર્જરીત પુલો, કોઝવે સહિતનું સમારકામ કરીને તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને વહેલી તકે કાર્ય કરીને રિપોર્ટ કરવા સૂચના આપી હતી.

            તદુપરાંત, જ્યાં-જ્યાં જર્જરિત મકાનો હોય તો તેવા મકાનોની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તે માટેની કાર્યવાહી કરવા, રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકિદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. તેમજ આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા સાથે ચોમાસાના સમયગાળા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે અધિકારીઓ માર્ગદર્શિત કર્યા હતા.

               પીજીવીસીએલ દ્વારા આપત્તિના સમયે ઈમરજન્સી સેવાઓ માટે તાલુકાના લાયઝન સંભાળતા અધિકારીઓ સાથે સંકલનમાં રહીને વીજ પુરવઠાની સ્થિતિ સામાન્ય રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ તકે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોષી, નાયબ કલેક્ટર એફ.જે.માંકડા, પુરવઠા અધિકારી પારસ વાંદા, માર્ગ એન્ડ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment