હિન્દ ન્યુઝ, જામનગર
ઊંટો ગ્રામીણ સમુદાયોની આજીવિકાનો અભિન્ન ભાગ છે. આ પ્રાણીઓને ન્યુમોનિયા, પોક્સ, સ્કીન ડીસીઝ, પરોપજીવી ચેપ, પોષણની ઉણપ અને અન્ય ઈજાઓ વગેરે જેવા વિવિધ સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવો પડે છે. ત્યારે આ મુદ્દાઓને હલ કરવા માટે, ગ્રામીણ વિસ્તારોમાં રોગોનું સમયસર નિદાન અને સારવાર પૂરી પાડવા સમર્પિત ઊંટ સારવાર કેમ્પનું દર વર્ષે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગરના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામા આવે છે.જેમાં રસીકરણ (એંટી-સરા) અને કૃમિનાશક દવાઓ (એંટી મેંજ)ના કાર્યક્રમો હાથ ધરી ચેપી રોગોના પ્રસારને રોકવામાં આવે છે.
જે અંતર્ગત જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના લાલપુર અને તાલુકા પશુ પાલનની ટીમ દ્વારા સિંગચ ગામ ખાતે ઝેર-બાઝ વિરોધી ઇન્જેકસનના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં પશુપાલકોના કુલ ૧૨૦ જેટલા ઊંટોની સારવાર તથા ઝેરબાજ વિરોધી ઈન્જેકશન નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ખારાઇ જાતિના ઉંટએ દરિયાઇ વિસ્તારની એક આગવી ઓળખ હોઇ તેનુ સંવર્ધન, યોગ્ય ખોરાક, સ્વચ્છતા અને પ્રાણીઓ પ્રત્યે ક્રુરતા ન થાય તે રીતે યોગ્ય તકનીકો વિશે ઊંટના માલિકોને ડો. અંકિત પટેલ, પશુ દવાખાના, લાલપુર દ્વારા શિક્ષિત કરવામા આવેલ.તથા ડો.પ્રતીક જોશી દ્વારા હાલમાં કાર્યરત પશુધન વસતી ગણતરી વિશે જાણકારી આપી ૧૨૦ ઊંટની એંટ્રી રાષ્ટ્રીય પશુધન ગણાના કાર્યક્રમમાં નોંધવામાં આવેલ.
આ અંગે નાયબ પશુપાલન નિયામકશ્રી, ડો.તેજસ શુકલ જણાવે છે કે, ઊંટ સારવાર કેમ્પમાં દરીયાઇ વિસ્તારો ખાતે પશુપાલકોના આંગણે જઇ આપવામાં આવતી નિશુલ્ક સારવાર ઊંટોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં નોંધપાત્ર ફાળો આપી શકે છે, તેમજ તેમના પર નિર્ભર રહેતા સમુદાયોની આજીવિકામાં સુધારો કરી શકે છે. પશુ સંવર્ધન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપીને, આ કેમ્પો ટકાઉ ઊંટની જાળવણી અને ગ્રામીણ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.