હિન્દ ન્યૂઝ, જામનગર
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગો જેમાં સિંચાઈ વિભાગ, ડીઆઈએલઆર, પાણી પુરવઠ્ઠા, પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગવાર વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧,૬ અને ૪માં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈન અંગેની કામગીરી તેમજ જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર કેનાલોની સફાઈ, તળાવ રીપેરીંગ, ચેકડેમના કામોનું સ્ટેટસ, જમીન માપણી અને રિસર્વે અંગેની કામગીરી, ચાવડા ગામે પીવાના પાણીની ટાંકી ઉંચી બનાવવી, રાવલસર ગામે પાણીની પાઈપલાઇન મારફતે લોકોને પીવાનું પાણી પહોચાડવું, વાણીયાગામ ગામે પાણીની ટાંકી બનાવવી, જમવંથલી ગામે અલગ વીજ ફીડર આપવું, ખેડૂતો અને લોકોની વીજ કનેક્શન અંગેની રજૂઆતોનું નિરાકરણ લાવવું, વિવિધ ગામડાઓમાં રોડ રસ્તાના કામો, ધ્રોલ નગરપાલિકાના વિસ્તારોમાં સ્વચ્છતા અને ભૂગર્ભ ગટરના કામો, નવી સોસાયટીઓમાં નાગરિકોની ગેસ કનેક્શનની માંગણીને ધ્યાનમાં લઇ તેઓની રજૂઆતોનું નિરાકરણ લાવવા અંગેના પ્રશ્નો અને વિભાગ વાઈઝ પ્રગતી હેઠળના કામોની સમીક્ષા કરી હતી. તેમજ લોકો દ્વારા આવેલી અરજીઓનું હકારાત્મક દિશામાં નીરાકરણ લાવવા અને સમયમર્યાદામાં બાકી કામો પૂર્ણ કરવા મંત્રીએ લગત અધિકારીઓને સુચનો કર્યા હતા. આ બેઠકમાં જીલ્લા કલેકટર બી.કે.પંડ્યા, જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડીઆરડીએ નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનીસીપલ કમિશ્નર ઝાલા, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.