હિન્દ ન્યૂઝ, નર્મદા
પેદાશની ગુણવત્તા, વેચાણ, આવક અને માંગમાં સુધારો લાવતું કૃષિ મોડલ અપનાવ્યું. પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત પાકોમાં વધુ મિઠાશ અને પૌષ્ટિક હોય છે – ધીરસિંગ જે. વસાવા રાસાયણિક ખાતરો, દવાઓનો ઉપયોગ ટાળીને જમીન સંરક્ષણ અને માનવ સ્વાસ્થ્ય માટે એસ્પિરેશન નર્મદા જિલ્લાના ખેડૂતોએ આગેકૂચ કરી છે. પ્રાકૃતિક કૃષિ પર્યાવરણીય હિતોને અનુરૂપ હોય છે. પોષક તત્વોથી ભરપૂર આ ખેતી પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, ગુણવત્તા, વેચાણ સહિત આવકમાં પણ વધારો થાય છે. સાગબારા તાલુકાના ખોપી ગામના ખેડૂત શ્રી ધીરસિંગ જાતરિયાભાઈ વસાવાએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જેના કારણે તેમના પાકની ગુણવત્તા અને પેદાશમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. શ્રી વસાવાએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના કારણે મારા જમીનની ફળદ્રુપતા, ગુણવત્તામાં વધારો થયો છે. ટામેટા અને દૂધીના પાકમાં મને સારુ પરિણામ જોવા મળ્યું છે. ગોબર, ગોમૂત્ર, ચોખાનો લોટ અને ગોળ-છાસના મિશ્રણથી તૈયાર ખાતરનો છંટકાવ ખેતરમાં કર્યો છે. શ્રી વસાવાએ કહ્યું કે, અગાઉ રાસાયણિક દવાઓ પાછળ થતા મોટા ખર્ચાઓ પ્રાકૃતિક ખેતીના કારણે આવકમાં પરિણમી છે. પ્રાકૃતિક ખેતી અપનાવતા જમીનની ફળદ્રુપતા તો વધી જ છે સાથોસાથ ઉત્પાદન ક્ષમતા, વેચાણ, આવક અને બજાર માંગમાં પણ વધારો થયો છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત પાકોમાં વધુ મિઠાશ અને પૌષ્ટિક હોય છે. આ પ્રસંગે શ્રી વસાવાએ આત્મા પ્રોજેક્ટ તથા જિલ્લા ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન અને તાલીમ મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બનાવવા માટે ઘનિષ્ઠ પ્રયાસો આદર્યા છે. ખોરાકની ગુણવત્તા અંગે સતત ચિંતાઓ વધી રહી છે. બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાસાયણિક તત્વોથી મુક્ત ખોરાકની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આશય જમીનના પોષણ તત્વોને નિયંત્રણમાં રાખવાનું છે. નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાય પણ પર્યાવરણીય અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર સજાગ થયા છે. પ્રાકૃતિક ખેતીપર્યાવરણ સંરક્ષણ, જમીન અને માનવીનું આરોગ્ય, ઉત્પાદનમાં વધારો, ગુણવત્તાયુક્ત જીવન અને ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર ખોલે છે.