હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની સીધી દેખરેખ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાં આરોગ્ય વિભાગના સબ-સેન્ટર વાઇઝ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના તમામ લોકો સુધી પહોંચે એ માટે આવતીકાલ થી તબક્કાવાર ક્લસ્ટર બનાવી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, સરકારી યોજનાઓમાં સંતૃપ્તિ (સેચ્યુરેશન) લાવી શકાય તેવા હેતુસર જે હેઠળ જિલ્લાના ૧૭૧ જેટલા સબ-સેન્ટર પર તબક્કાવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજ્ય સરકાર આપના દ્વારેની વિભાવના ચરિતાર્થ કરતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જે-તે કલસ્ટરમાં સમાવિષ્ટ ગામના લોકો આયુષ્માન યોજના, આધારકાર્ડમાં સુધારા-વધારા વગેરે જેવી યોજનાઓના લાભ મેળવી શકે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં એકસાથે અગિયાર સ્થળોએ આ કેમ્પ યોજાશે. આ ઉપરાંત દર અઠવાડિયે મંગળ,બુધ અને ગુરૂવારે કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પમાં યોજનાઓ સાથે સંકળાયેલો સ્ટાફ યોજનાકિય કિટ સાથે હાજર રહેશે. આ સિવાય જો કોઈ ગામ દ્વારા માંગણી કરવામાં આવશે. તો તેને પણ લક્ષમાં રાખીને કેમ્પનું આયોજન કરાશે. જેથી છેવાડાના માનવીને રાજ્ય સરકારની તમામ પ્રકારની યોજનાઓના લાભ ઘરઆંગણે ઉપલબ્ધ થાય.
કેમ્પમાં ઉપલબ્ધ થનાર યોજનાઓની યાદી:
૧) આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
૨) નમોશ્રી પ્રસુતિ સહાય
૩) વ્હાલી દિકરી યોજના
૪) દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ (મફત બસ મુસાફરી પાસ, સંત સુરદાસ, દિવ્યાંગ લગ્ન સહાય, મનોદીવ્યાંગ પેંશન સહાય, યુ.ડી.આઇ.ડી. કાર્ડ વિગેરે)
૫) નિરાધાર વૃધ્ધ/અપંગ સહાય યોજના
૬) ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના
૭) સંકત મોચન સહાય યોજના
૮) ગંગા સ્વરૂપ (વિધવા) સહાય યોજના
૯) રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના
૧૦) પશુ વિમા સહાય યોજના
૧૧) પશુઓને કૃમિનાશક દવા
૧૨) આધાર અપડેશનની કામગીરી
૧૩) વિવિધ શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય યોજના
૧૪) શાળાના બાળકોને આરોગ્યની તપાસણી
૧૫) રેશન કાર્ડને લગત તમામ કામગીરી