હિન્દ ન્યુઝ, વડોદરા
કાનન અને ચંદ્રશેખર કોટેશ્વર કલાને વરેલું યુગલ છે અને તેમના કલા સર્જનો બહુધા પ્રકૃતિ,માનવ અને પ્રકૃતિમાં થી મળતા સજીવ નિર્જીવ તત્વોના આંતર સંબંધો થી પ્રેરિત છે. એ માને છે કે પ્રકૃતિ અને તેના તત્વો નાશવંત છે પરંતુ તેમાં થી સતત નવા સ્વરૂપો ઉદભવે છે.
વડોદરાની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં મ્યુઝીઓલોજીનું શિક્ષણ મેળવનારી કાનન વિવિધ કલા પ્રકારો ના નીત નવા પ્રયોગો કરે છે. એ બિન પરંપરાગત કલા સ્વરૂપોને અગ્રતા આપે છે.
હાલમાં તેની અલગ ભાત પાડતી કલાકૃતિઓ નું એકલ પ્રદર્શન – solo exhibition પૂણેની પ્રતિષ્ઠિત વિદા હૈદરી આર્ટ ગેલેરી માં શરૂ થયું છે.ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ‘ પ્રાકૃત – સમાકૃત ‘( પ્રાકૃત એટલે પ્રકૃતિમાં થી મળેલું મૂળ અને સમાકૃત એટલે નવ સર્જિત) પ્રદર્શનમાં કાનન સર્જિત એકસો જેટલી કલાકૃતિઓ મૂકવામાં આવી છે જે મીડિયમ એટલે કે માધ્યમોની વિવિધતા અને વિચિત્રતા ને લીધે અનેરું આકર્ષણ ઊભું કરે છે.જીવન એ જન્મ,નાશ અને પુનઃ સર્જન નો નિત્ય ચાલતો ક્રમ છે એની સમજ એની કૃતિઓ આપે છે.
સુથાર લાકડું ઘડવા બેસે ત્યારે એમાં થી લાકડાના ટુકડા વધે છે.કાનને આ ટુકડાઓ પર સુંદર કૃતિઓ સર્જી છે. માત્ર કૃતિઓ નથી સર્જી પરંતુ ડોન બોસ્કો માં એ જ્યારે બાળકોને શિક્ષણ આપતી હતી ત્યારે એમના ગરીબ પરિવારોનો સંઘર્ષ અને વિપદાઓ વચ્ચે આજે યુવાન થયેલા એ બાળકોની સફળતાને વણી લેતો ‘ અડગ મનના મુસાફર ની કદી હાર થતી નથી ‘ એવો સંદેશ આ લાકડાના ટુકડાની કલાકૃતિઓ દ્વારા આપ્યો છે.
કાનન અને ચંદ્રશેખરે,ચાંદોદ માં નર્મદા કાંઠે આવેલા પૈતૃક ખેતરમાં રહીને આત્મ નિર્ભર ગ્રામ જીવનનો પ્રયોગ કર્યો હતો.નર્મદાના શંકર જેવા કંકર એને અતિ પ્રિય.આ કંકરો માંથી એણે નાશ અને નવજીવનનો સંદેશ આપતી કૃતિઓ ઘડી છે. ઇયળે ખાધેલા ઝાડના અર્ધા પાંદડા પર મણકા અને દોરાની ઈયળ થી સુંદર કૃતિ બનાવી છે. ટેરાકોટા ટાઇલ્સ,પાંદડા અને દોરાના સમન્વય થી કૃતિઓનું સર્જન કર્યું છે.
અગાઉ એની કૃતિઓનું solo exhibition વડોદરામાં પણ યોજાઈ ચૂક્યું છે.વિદા હૈદરી આર્ટ ગેલેરીના સંચાલકોની ઉગતા કલાકારોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાની ભાવના નો લાભ મળ્યો એના માટે એ આભારની લાગણી વ્યક્ત કરે છે.