જિલ્લા ચિંતન શિબિર: દિવસ-૨
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લાકક્ષાની ચિંતન શિબિર અંતર્ગત બે દિવસ સુધી કરાયેલા મનોમંથન બાદ વિવિધ વિષયો અને વિવિધ જૂથો દ્વારા કરાયેલી ભલામણો અને નિષ્કર્ષની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેના આધારે જિલ્લાના વિકાસ માટેનો આગામી રોડમેપ નિર્ધારિત કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ જૂથના ગૃપ લીડરોએ આ અંગે તેમના જૂથના સભ્યો અને હિતધારકો દ્વારા કરાયેલી રજૂઆતો અને આ રજૂઆતો પરત્વે ભવિષ્યમાં કયા પગલા લઈ શકાય તે અંગે કરેલું મનોમંથન રજૂ કર્યું હતું.
આ ચિંતન શિબિરની પૂર્ણાહૂતિ અવસરે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, તબક્કાવાર ચિંતન પછી અમલીકરણ પણ જરૂરી છે. જિલ્લા સ્તરથી જે કોઈપણ કામ થઈ શકે તેને અગ્રતા આપીને કરવી જ જોઈએ. તેમણે ચિંતન શિબિરમાં રજૂ કરાયેલી ભલામણોને અનુસરી યોગ્ય રૂપરેખા તૈયાર થાય અને વહેલી તકે કાર્યાન્વિત કરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિની ગઢિયાએ ઈકો ટૂરિઝમ, જિલ્લાના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોમાં લાંબાગાળાનું આયોજન તથા નીતિ વિષયક બાબતોમાં તારણ અને સુધારાના અવકાશ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી
ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો અંગે નાયબ કલેક્ટર-૧ એફ.જે.માંકડાએ મત્સ્યોદ્યોગ, ખેતીવાડી, મહિલા સશક્તિકરણ, પશુપાલન અને પ્રવાસનના વિવિધ મુદ્દે પરંપરાગત માછીમારીમાં સરકાર દ્વારા અપાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાય, માછીમારોને મળતી સબસિડી, ટકાઉ માછીમારી પ્રેક્ટિસ વગેરે મુદ્દાઓ સહિત ટૂરિસ્ટ ગાઈડ અને હોસ્પિટાલિટી અને મેનેજમેન્ટ થકી મહિલા સશક્તિકરણ અને પ્રવાસનની વિવિધ ભલામણોની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયાએ સરકારો જમીનો (લેન્ડ બેંક) ના આદર્શ ઉપયોગ અંતર્ગત ફાળવેલ સરકારી જમીનોનો સમયસર ઉપયોગ, સરકારી જમીનની માપણી, જાળવણી અને દુરસ્તીકરણ, હાઉસિંગ પોલિસી/પુનઃ સ્થાપનની વિવિધ ભલામણો રજૂ કરી હતી.
સરકારી યોજનામાં સંતૃપ્તી અંગે જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદાએ નમોશ્રી પ્રસુતિ સહાય યોજના, કુંવરબાઈનું મામેરૂ, એપ્રેન્ટિસશિપ યોજના, વ્હાલી દીકરી યોજના, આયુષ્માન કાર્ડ, શિક્ષણમાં સંતૃપ્તિકરણ, ગ્રાન્ટ ફાળવણીની અગ્રતા, રેવન્યૂ વિભાગની વિવિધ યોજના સહિતની તમામ બાબતો વિશે લાંબાગાળાનું આયોજન અને સંસ્થાકિય સગવડતાની ભલામણો પ્રસ્તુત કરી હતી.
આ ચિંતન શિબિરમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત ગીર સોમનાથ વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.