હિન્દ ન્યુઝ, નર્મદા
ખેતી અને પશુપાલન ભારતીય લોકજીવનના અર્થતંત્રની જીવાદોરી સમાન છે. એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં મોટાભાગે આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જેઓ આજીવિકા માટે ખેતી-પશુપાલન પર ખાસ નિર્ભર રહે છે. પશુપાલન અને ખેતી એક સિક્કાના બે પાસા છે. “જેટલી મહેનત કરો તેટલું ફળ મળે”… ખેતી સંલગ્ન પશુપાલન ખેડૂતોના આર્થિક આજીવિકા કમાણીનું મહત્વનું અંગ છે. મહિલાઓને ઘરે બેઠા સ્વરોજગારી મેળવી આર્થિક પગભર બને તે માટે રાજ્ય સરકારે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. તેમાં પશુપાલન-ખેતી મુખ્ય છે. તે કોઈપણ સરળતાથી કરી શકે છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ખેતી-પશુપાલન જેવા ગ્રામીણ આજીવિકા પર વિશેષ ભાર આપી રહ્યું છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના શ્રી કોકિલાબેન વસાવા ખેતીના પૂરક વ્યવસાયમાં ખૂંપીને પશુપાલન થકી પગભર બનીને ઉન્નત મસ્તકે આર્થિક કમાણી સાથે જીવન જીવી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, અમારું કુટુંબ ખેતી સાથે સંકળાયેલુ છે, વર્ષ ૨૦૧૬-૧૭ થી હું પશુપાલનમાં જોડાઈ છું. આર.સી.ટી. તેમજ મિશન મંગલમના સહયોગથી પશુપાલન અંગે દસ દિવસીય તાલીમ મેં પ્રાપ્ત કરી હતી. એક ગાય અને એક ભેંસથી પશુપાલન વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં માસિક આવક રૂ. ૭ હજારની જ હતી. દૂધ ધારા ડેરીમાં જોડાયા બાદ ત્યાંથી પણ મને પશુધન પ્રાપ્ત થયા છે. ધીમે-ધીમે મેં પશુધનમાં વધારો કર્યો અને આજે મારી પાસે ૧૯ ગાયો અને ૧૦ ભેંસો છે. શ્રીમતી વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં વધુમાં ઉમેર્યુ કે, આજે હું ગૌરવભેર જીવન જીવી રહી છું. માસિક રૂ. ૧.૨૦ લાખની આવક માત્ર પશુપાલન વ્યવસાયથી જ મેળવી રહી છુ. હું પોતે તો પગભર બની જ છુ, પરંતુ મારા પરિવારની નાની મોટી આર્થિક જરૂરિયાત પરિપૂર્ણ કરવા પણ આજે સક્ષમ બની છુ.
પશુપાલનને શ્રેષ્ઠ વ્યવસાય ગણાવતા શ્રીમતી વસાવાએ વધુમાં જણાવ્યું કે, વર્મી કંપોસ્ટ ખાતરનું વેચાણ કરીને પણ હું વાર્ષિક રૂ. ૩ લાખની પૂરક આવક મેળવી રહી છું. મિશન મંગલમના માર્ગદર્શન અને સહાયથી મારુ જીવન આજે બદલાયું છે. સરકારનો આભાર વ્યક્ત કરતા તેઓએ ભવિષ્યમાં ૫૦ ગાયો અને ૫૦ ભેંસો સુધીનો લક્ષ્ય સર કરવાનો સંકલ્પ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, લખપતિ એટલે એવી મહિલા કે જેમની વાર્ષિક આવક ઓછામાં ઓછી લાખ રૂપિયા હોય અને તેઓ પોતાની જરૂરિયાત માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન રહેતા જાતે આવક મેળવે.. પરંતુ આજે કોકિલાબેન માસિક રૂ. ૧.૨૦ લાખની આવક પ્રાપ્ત કરીને કુટુંબ સહિત વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં પોતાની સક્રિય ભાગીદારી અદા કરી રહ્યા છે. લખપતિ દિદી બની આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી અન્ય મહિલાઓને પ્રેરણા આપીને શ્રીમતી વસાવાએ જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે.