નંદેસરી વિસ્તારની ૨૨ કંપનીઓ પીવે છે નીરૂબેન ની ચા

હિન્દ ન્યુઝ, વડોદરા

નંદેસરીના ઔધોગિક વિસ્તારમાં ઓછું ભણેલી અને આર્થિક નબળાં પરિવારોની મહિલાઓ માટે અનોખું કામ થઈ રહ્યું છે.જેમાં તેમને અધૂરું મૂકી દીધેલું ભણતર આગળ વધારવાની તક તો મળે છે અને તેની સાથે નાના નાના રોજગાર થી આર્થિક આત્મ નિર્ભરતા પ્રાપ્ત થાય છે.

સી.એસ. આર. ના અભિગમ હેઠળ કાર્યરત દીપક ફાઉન્ડેશનના છત્ર હેઠળ આ કામગીરી દીપ જ્યોતિ મહિલા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી – djmccs દ્વારા નારી સશક્તિકરણ ની આ કામગીરી થઇ રહી છે.

દીપક ફાઉન્ડેશન દ્વારા પહેલા તો આ વિસ્તારની મહિલાઓ ના સ્વ સહાયતા જૂથોની રચના કરવામાં આવી હતી.અને પછી આ તમામ જૂથોના સંકલન થી djmccs ની રચના કરવામાં આવી છે જે મુખ્યત્વે સભ્યોને બચત કરવા માટે પ્રોત્સાહિત કરીને રોજગારલક્ષી હેતુઓ માટે ધિરાણ સુવિધા ઉપલબ્ધ કરાવે છે.૨૦૧૫ થી નંદેસરી વિસ્તારમાં આર્થિક નબળાં સમુદાયોની મહિલાઓને આત્મ નિર્ભર કરવાની આ કામગીરી કરવામાં આવી રહી છે.તેની સાથે તેમને અધૂરું છોડી દીધેલું ભણતર આગળ વધારવા પ્રેરિત કરવામાં આવી રહી છે.

પરિણામે ગામની ૧૨ સભાસદ બહેનો પૈકી ૭ બહેનોએ નવેસર થી ઘેર બેઠા અભ્યાસ કરીને દશમા ધોરણની પરીક્ષા પાસ કરી છે અને હવે બારમા ધોરણનો શિક્ષણ કિલ્લો સર કરવા કટિબદ્ધ થઈ છે.ભણવાની સાથે આ બહેનો ચાની કીટલી,દૂધ ડેરી જેવા નાના ધંધા રોજગારથી પરિવારની આવકમાં વધારો કરી રહી છે.

શિક્ષણ અને ઉદ્યમની સફળતાનો ઉજ્જવળ દાખલો નીરુબહેન સોમાભાઈ ગોહિલે બેસાડ્યો છે.આજે તેમની કિટલીની ચા આસપાસના ૨૨ ઔધોગિક એકમોના કર્મયોગીઓ પીવે છે.અને ૪૬ વર્ષના નીરુબેને ક્યારેક કૌટુંબિક જવાબદારીઓ ને લીધે છોડી દીધેલું ભણતર ફરી શરૂ કર્યું છે અને દશમાની પરીક્ષા આપી છે.

જ્યારે ૪૫ વર્ષની ઉંમરના ગીતાબેન જયંતીભાઈ ગોહિલે આ સોસાયટીમાં જોડાયા પછી દશમું પાસ કર્યું અને હવે ૧૨ ધોરણની તૈયારી કરી રહ્યા છે.તેની સાથે તેઓ દીપ જ્યોતિ કો ઓપરેટિવ બેંકના સચિવ તરીકે ૨૦૧૫ થી કાર્યરત છે.આ સંસ્થાનો વાર્ષિક કારોબાર રૂ.૨.૫૦ કરોડનો છે અને એક કરોડની મુદતી થાપણ જમા કરાવી છે.તો જ્યોત્સનાબેન ગોહિલ મહિલા સહકારી ડેરીના સચિવ તરીકે સેવા આપી રહ્યા છે.

Related posts

Leave a Comment