અભ્યાસમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોનું જીવન ઘડતર કરી રહ્યા છે નસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષિકા સેજલબેન ઉપાધ્યાય

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સારસ્વતોના ગરિમાગાન કરતા આ દિવસ સાથે શ્રેષ્ઠ ગુરૂ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ જોડાયેલું છે. એક શિક્ષક સમાજના ઘડતર સાથે સમાજમાં બદલાવ પણ લાવી શકે છે.

શિક્ષક દિને શિક્ષક તરીકે બાળકોને સમર્પિત અને વર્ષ ૨૦૨૪-૨૫માં છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર સેજલબેન ઉપાધ્યાય બાળકોને ખરા અર્થમાં ભાર વગરનું ભણતર આપીને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે.

એક મુલાકાત દરમિયાન સેજલબેન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, હું વર્ષ ૨૦૧૭ થી નસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠના બાળકોને ગણિત-વિજ્ઞાન વિષય ભણાવું છું. સામાન્ય રીતે બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય અઘરો લાગતો હોય છે, પરંતુ હું બાળકોને સંખ્યાજ્ઞાનથી લઈને વિજ્ઞાનના મૂળભૂત નિયમો અને પાયોનું જરૂરી જ્ઞાન FLM (Foundational Literacy and Numeracy) પદ્ધતિથી સરળ ભાષામાં શીખવી રહી છું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ ઉપરાંત બાળકો શાળાએ નિયમિત આવતા થાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. એક પાઠ પૂરો થાય એટલે તેની કસોટી લેવામાં આવે છે. આ કસોટીમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહનરૂપે પેન, પેન્સિલ વગેરે જેવા ઇનામો આપવામાં આવે છે, જેના પરિણામે વધુ બાળકો સ્કૂલમાં આવતા થયા છે. ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે.

અમુક બાળકો શાળાએ ના આવે તો ઘરે જઈને વાલીઓનો સંપર્ક કરીએ છીએ અને વધુમાં વધુ બાળકો શાળાએ આવે તેવા પ્રયાસો કરીએ છીએ, જેના ફળ સ્વરૂપે વધુ બાળકો શાળાએ આવતા થયા છે અને બાળકોના અભ્યાસમાં પણ સુધારો આવ્યો છે. ગામના લોકો પણ અમને સહયોગ આપે છે. કોઈ બાળક શાળાએ ન આવ્યું હોય તો જાણ કરે છે.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેના અથાગ પ્રયાસોને કારણે સેજલબેનને વર્ષ-૨૦૨૪ માટે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે, આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ પુરસ્કાર આપી તેમનું સન્માન કરવામાં આવનાર છે.

Related posts

Leave a Comment