જિલ્લા કલેક્ટરએ સિગ્નેચર કેમ્પેઈન થકી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેના માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત આજે જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ બોર્ડમાં સહી કરીને (સિગ્નેચર કેમ્પેઈન) જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટેની શરૂઆત કરાવી હતી.

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લોકશાહીની તંદુરસ્તી માટે દરેક મત મહત્વપૂર્ણ છે તેનો સંદેશો આ સહી સાથે આપ્યો હતો. કલેક્ટરએ જિલ્લાના નાગરિકો સાતમી તારીખ યાદ રાખીને પોતાના કિંમતી અને અમૂલ્ય વોટનો ઉપયોગ કરે તે માટે આ તકે આહવાન પણ કર્યું હતું.

કલેક્ટર સાથે આ સિગ્નેચર કેમ્પેઈનમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા સહિત ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ પણ સહી કરી મતદારોને પ્રેરિત કરવાનો પ્રયાસ તેના દ્વારા કર્યો હતો.

નોંધનીય છે કે, જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે રંગોળી, મહેંદી સ્પર્ધા, બાઈક રેલી જેવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેમજ દરેક નાગરિક લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બને અને પોતાનો કિંમતી મત આપે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ભગીરથ જહેમત સાથે કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં સિગ્નેચર અભિયાનથી નવું છોગું ઉમેરાયું છે.

Related posts

Leave a Comment