૧૩- જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી અને પોલીસ ઓબ્ઝર્વર સુ નાઝનીન ભસીનની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

આગામી તા. ૭ મેના રોજ યોજાનાર ૧૩- જૂનાગઢ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી અને પોલીસ ઓબ્ઝર્વર સુ નાઝનીન ભસીનની નિમણૂંક કરવામાં આવી છે.

આજે કલેક્ટર કચેરી ખાતે આવેલા સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ગીર સોમનાથના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.ડી.જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત ચૂંટણી ફરજ સાથે જોડાયેલા નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકની શરૂઆતમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયાએ જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી અને પોલીસ ઓબ્ઝર્વર સુ નાઝનીન ભસીનનો પરિચય આપી બેઠકમાં તેમનું સ્વાગત કર્યું હતું.

જનરલ ઓબ્ઝર્વેર મોહમ્મદ ઝુબેર અલી હાશ્મીએ ઇવીએમ મેનેજમેન્ટ, વીવીપેટ, સ્ટ્રોંગ રૂમ સહિતની ચૂંટણીલક્ષી તમામ બાબતે કમ્યુનિકેશન પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મતદાનના દિવસે પોલિંગ સ્ટાફ અને મતદાતાઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી હતી.

જ્યારે પોલીસ ઓબ્ઝર્વર સુ નાઝનીન ભસીને ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ લોકસભાની આ ચૂંટણી ન્યાય અને પારદર્શકતા સાથે યોજાઇ એ માટે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારીશ્રીઓને સહકારથી કામગીરી પાર પાડવા અંગે સૂચના આપી હતી.

બેઠકમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયાએ ૧૩-જૂનાગઢ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ કુલ ૭ બેઠકોમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે બન્ને ઓબ્ઝર્વરઓને અવગત કરાવ્યાં હતા. તેમજ નોડલ અધિકારીઓ મતદાન જાગૃતી માટે સ્વીપ એક્ટિવિટી, કાયદો અને વ્યવસ્થા, સ્ટાફની તાલીમ, ઇવીએમ રેન્ડમાઇઝેશન, એફએસટી, એસએસટી સહિતની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે બન્ને ઓબ્ઝર્વરઓને પાવરપોઇંટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી.

આ બેઠક પૂર્વે કલેક્ટર કચેરી ખાતે ઉભા કરવામાં આવેલ મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લઇને થઇ રહેલ કામગીરીનું નીરીક્ષણ કર્યુ હતુ. 

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૈાધરી, ગીર સોમનાથના જિલ્લા ગ્રામ એજન્સીના નિયામક દર્શનાબેન ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment