જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ખર્ચ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    લોકસભાની ચૂંટણીને લઈને દરેક લોકસભા મતવિસ્તારમાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો તથા પક્ષ દ્વારા કરવામાં આવતા ખર્ચ નિરીક્ષણ અને નિયંત્રણ માટે ખર્ચ નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં તિજોરી કચેરી, આવકવેરા, કસ્ટમ, જીએસટી જેવા વિભાગોના અધિકારીઓ દ્વારા ઉમેદવારો તથા પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારમાં થતાં ખર્ચ પર દેખરેખ રાખવામાં આવે છે.

આ સમિતિ દ્વારા રાખવામાં આવતા હિસાબોમાં ચોક્સાઈ રહે અને હિસાબો પારદર્શી અને ક્ષતિરહિત બને તે માટે એકસૂત્રતા જળવાઈ તે માટે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન આજે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, જ્યારથી ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી વિવિધ ટીમો દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી ૧૨મી એપ્રિલના રોજથી નામાંકન બાદ આ કામગીરી પૂર્ણકક્ષાએ કાર્યરત થશે.

જિલ્લા વિકાસ અધિકારીએ આવકવેરા, બેંક, કસ્ટમ, જીએસટી, એમસીએમસી કમિટિ વગેરે દ્વારા થતી કાર્યવાહીની તલસ્પર્શી સમિક્ષા કરીને જરૂરી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને પૂરું પાડ્યું હતું.

તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, ગેરકાયદેસર રોકડ, દારૂ કે કિંમતી ચીજવસ્તુઓ પકડાવાની ઘટના રોજેરોજ બનતી નથી પરંતુ ચૂંટણી પારદર્શી, નિષ્પક્ષ અને ન્યાયીરીતે થાય તે માટે આપણે સૌએ સાવધાનીપૂર્વક કાર્ય કરવાનું છે. જેથી લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા જળવાઈ રહે.

Related posts

Leave a Comment